ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાને અંઘશ્રદ્ધા તરીકે જોવી યોગ્ય નથી: આયોજકો
સનાતન સંસ્કૃતિના સન્માન અને રાષ્ટ્ર ગૌરવના ઉત્થાન માટે એક થવા સમાજને અપીલ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર સનાતન સમિતિ ના અગ્રણીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને વૈદિક મૂલ્યોના પ્રચાર માટે કાર્યરત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો વિરોધ શા માટે કરવામાં આવે છે? તેમના જણાવ્યા અનુસાર હનુમાન ભક્તિ, આધ્યાત્મિક જાગૃતિ, નૈતિક મૂલ્યોનું સંવર્ધન અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસોને અંધશ્રદ્ધા તરીકે જોવું યોગ્ય નથી.
વધુમાં જણાવાયું છે કે ભારતના ઋષિ-મુનિઓ અને સંતોની પરંપરા વિશ્વમાં અનન્ય રહી છે. ગૌસેવા, ગુરુ-શિષ્ય પરંપરા, પરિવાર વ્યવસ્થાનું સંવર્ધન, નશામુક્તિ અભિયાન અને ગરીબ-પીડિતોની સેવા જેવા કાર્યો ભારતીય સંસ્કૃતિના મૂળ તત્વો છે. આવા કાર્યોને પ્રોત્સાહન આપવું એ સમાજ અને રાષ્ટ્રના હિતમાં છે.
વધુમાં જણાવ્યું હતું કે દેશના યુવાધનમાં આત્મવિશ્વાસ, ચરિત્ર નિર્માણ અને રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસે તે આજના સમયની જરૂરિયાત છે. સાથે જ મંદિરો અને તીર્થક્ષેત્રોના સંરક્ષણ તેમજ સમાજમાં એકતા અને સમરસતાનો સંદેશ ફેલાવવો એ પણ સનાતન ધર્મની મહત્વપૂર્ણ સેવા છે.
વધુમાં નિવેદનમાં જણાવાયું છે કે તર્ક અને વૈજ્ઞાનિક અભિગમનું હંમેશા સ્વાગત છે, પરંતુ કોઈ એક ધર્મ કે સંતોને જ નિશાન બનાવી તેમની આસ્થાનું અપમાન કરવું યોગ્ય નથી. કરોડો લોકોની શ્રદ્ધા અને વિશ્વાસનું સન્માન કરવું એ લોકશાહી અને સામાજિક સમરસતાનો અભિન્ન ભાગ છે.
તાજેતરમાં પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાગેશ્વર ધામ) વિરુદ્ધ થઈ રહેલા વિરોધના સંદર્ભમાં સનાતન સંત સમાજ દ્વારા મહત્વપૂર્ણ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. સંયુક્ત રીતે જાહેર કરેલા સમર્થન પત્રમાં સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર અને ભારતીય સંસ્કૃતિના જતન માટે થઈ રહેલા પ્રયત્નોને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું છે.
સંત સમાજે દેશભરના સનાતન ધર્મપ્રેમી ભક્તોને આ અભિયાનમાં જોડાઈ સનાતન સંસ્કૃતિના સન્માન, રાષ્ટ્ર ગૌરવના ઉત્થાન અને સામાજિક જાગૃતિ માટે એકજૂટ થવાની અપીલ કરી છે ત્યારે રાજકોટ- સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા એ બાબા બાગેશ્વરની કથા તથા દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં કથાનો લાભ લઇ વિરોધીઓ ને જડબાતોડ જવાબ આપીએ તેમ અંતમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિએ જણાવ્યું છે.


