ધોરાજીમાં તાલુકા શાળા નંબર–3 ખાતે એનડીઆરએફ દ્વારા વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ અપાઈ
અધિકારી-કર્મચારીઓ દ્વારા માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજીની તાલુકા શાળા નંબર–3 ખાતે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ (NDRF)ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આપત્તિના સમયે જાગૃતિ લાવવાનો તેમજ સંકટની પરિસ્થિતિમાં કેવી રીતે સુરક્ષિત રહેવું અને અન્ય લોકોને મદદરૂપ બનવું તે અંગે પ્રાયોગિક સમજ આપવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન એનડીઆરએફની ટીમે ભૂકંપ, આગ, પૂર, વાવાઝોડું સહિત વિવિધ કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ સમયે રાખવાની સાવચેતી, પ્રાથમિક બચાવની પદ્ધતિઓ, સુરક્ષિત સ્થળે પહોંચવાની રીતો તેમજ ઇમરજન્સી દરમિયાન અનુસરવાની જરૂરી બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને વિવિધ બચાવ પદ્ધતિઓનું જીવંત પ્રદર્શન કરીને પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નાયબ મામલતદાર બી.વી. ગોંડલીયા, ભરતભાઈ જાગાણી તેમજ શાળાના શિક્ષકો જસ્મીનભાઈ રાઠોડ, ગુણવંતભાઈ સોંદરવા, સોહિલભાઈ જયસ્વાલ, સરલાબેન ખાનપરા સહિત અન્ય શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને સંદેશ આપવામાં આવ્યો હતો કે કોઈપણ આપત્તિ સમયે ગભરાવાના બદલે શાંતિ અને સમજદારીથી પરિસ્થિતિનો સામનો કરવો, અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવું અને જરૂરિયાતમંદ લોકોને શક્ય તેટલી મદદરૂપ થવું જોઈએ. એનડીઆરએફ દ્વારા આપવામાં આવેલી આ તાલીમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને જ્ઞાનવર્ધક સાબિત થઈ હતી.


