ટંકારામાં ચરિત્ર પર શંકા રાખી પત્નીનું ઢીમ ઢાળતો પતિ
ઇંટ અને બોથડ પદાર્થના ઘા મારી હત્યા નિપજાવી
અગ્ર ગુજરાત, મોરબી
મોરબી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે, જેમાં પવિત્ર ગણાતા પતિ-પત્નીના સંબંધોનું ખૂન થયું છે. ટંકારા તાલુકાના એક ખેતરમાં મજૂરી કરતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારમાં એક શખ્સે શંકાની નજરમાં અંધ બનીને પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકના મજૂર વર્ગ અને સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશથી એક શ્રમિક પરિવાર ટંકારા ખાતે આવેલા અનિલ પટેલ નામના ખેડૂતની વાડીમાં આજીવિકા મેળવવા અને ખેતમજૂરી કરવા માટે આવ્યો હતો. અહીં વાડીમાં રહીને આ પરિવાર મજૂરી કામ કરતો હતો. જો કે, આરોપી પતિ લક્ષ્મણ કતિજા પોતાની પત્ની રૂકમાના ચરિત્ર પર અવારનવાર શંકા કરતો હતો, જેને લઈને અવારનવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા. ગઈકાલે વહેલી સવારે આ શંકાના વહેમે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બોલાચાલી એટલી હદે વધી ગઈ કે ઉશ્કેરાયેલા લક્ષ્મણે બાજુમાં પડેલી ઈંટ અને અન્ય બોથડ પદાર્થ ઉપાડીને પત્ની રૂકમાના માથા તેમજ શરીરના ભાગે ઉપરાછાપરી ઝીંકી દીધા હતા.
હુમલો એટલો ભયાનક હતો કે રૂકમા લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડી હતી અને ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વાડી માલિક અનિલ પટેલને થતાં તેમણે તાત્કાલિક ટંકારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલે આરોપી લક્ષ્મણ કતિજા વિરૂદ્ધ પત્નીની હત્યાની કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને ફરાર થઈ ગયેલા નરાધમ પતિને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.


