ખેડૂતોને તક આપ્યા વગર વીજલાઇન નાખવી અન્યાય : હાઇકોર્ટ
કિસાનો દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ વાંધાઓ અને કાનૂની મુદ્દાઓને ધ્યાનમાં રાખી નિર્ણય લેવા નિર્દેશ : અંતિમ આદેશ તા.૨3 જૂને જાહેર કરાશે
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોના અધિકારો અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોને મજબૂત બનાવતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ખેડૂતોની જમીનમાં તેમની રજૂઆતો સાંભળ્યા વિના અને જરૂરી દસ્તાવેજો આપ્યા વગર વીજલાઇન નાંખવાની મંજૂરી આપતો અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ હાઈકોર્ટે રદબાતલ જાહેર કર્યો છે.
આ મામલો અમદાવાદ જિલ્લાના ધોલેરા SIR વિસ્તાર હેઠળ આવેલા કમીયાણા ગામ સાથે સંકળાયેલો છે. અરજદાર રામદેવસિંહ વણાર અને અન્ય ખેડૂતો દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં જણાવાયું હતું કે જેટકો દ્વારા ટ્રાન્સમીશન લાઈન નાખવાની કામગીરી દરમિયાન ખેડૂતોને કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી નહોતી. ઉપરાંત, પ્રોજેક્ટ સંબંધિત જરૂરી દસ્તાવેજો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નહોતા.
ખેડૂતોનો આક્ષેપ હતો કે વીજલાઇન અને વીજ થાંભલાઓના કારણે તેમની ખેતીની જમીન તેમજ ઊભા પાકને નુકસાન થવાની શક્યતા છે. તેમ છતાં જિલ્લા મેજિસ્ટ્રેટે ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વગર વીજ કંપનીને કામગીરી માટે મંજૂરી આપી દીધી હતી.
સુનાવણી દરમિયાન વીજ કંપનીએ જરૂરી દસ્તાવેજો ખેડૂતોને ઉપલબ્ધ કરાવ્યા હતા. ત્યારબાદ હાઈકોર્ટે નોંધ્યું કે ખેડૂતોને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપ્યા વિના લેવાયેલો નિર્ણય કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ છે અને તે કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી.
જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ સમગ્ર મામલો ફરીથી અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ વાંધાઓ અને કાનૂની મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નવેસરથી નિર્ણય લેવો પડશે. ચોમાસાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે સમયમર્યાદા પણ નક્કી કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ 15 જૂનથી સુનાવણી શરૂ કરશે, જરૂર પડે તો દૈનિક ધોરણે કાર્યવાહી હાથ ધરશે અને 19 જૂન સુધીમાં સુનાવણી પૂર્ણ કરવાની રહેશે. અંતિમ આદેશ 23 જૂન સુધીમાં જાહેર કરવાનો રહેશે.
હાઈકોર્ટના આ ચુકાદાને ખેડૂતોના અધિકારો માટે મહત્વપૂર્ણ જીત માનવામાં આવી રહી છે. રાજ્યભરમાં આવા અનેક ખેડૂતો માટે આ નિર્ણય આશાનું કિરણ સાબિત થઈ શકે છે, જેઓ જમીનમાં વીજલાઇન અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને લઈને રજૂઆત કરવાની તક માગી રહ્યા છે.


