ગોંડલમાં વીજ ધાંધિયાથી જનતા પરેશાન; વૃંદાવન સોસાયટીના રહીશોનો કચેરીએ હલ્લાબોલ
શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વીજ પુરવઠો ખોરવાતા લોકોની ધીરજ ખૂટી
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ શહેરના સાંઢીયા પુલ પાસે આવેલી વૃંદાવન સોસાયટી-5 ના રહીશોએ આજે રોષે ભરાઈને GEB (PGVCL) કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. છેલ્લા ચાર દિવસથી રાત્રે લાઈટો ગુલ થઈ જવાની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ તંત્ર સામે ઉગ્ર નારેબાજી કરી હતી.
વૃંદાવન સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી રાત્રે 12 વાગ્યા પછી અચાનક વીજ પુરવઠો બંધ થઈ જાય છે. સતત 5 થી 6 કલાક સુધી લાઈટો ન આવતા રહીશોને જાગરણ કરવાનો વારો આવ્યો છે. 40 ડિગ્રીથી વધુની ગરમીમાં કલાકો સુધી પંખા અને એસી બંધ રહેતા નાના બાળકો અને બીમાર વૃદ્ધોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. માત્ર વીજ કાપ જ નહીં, પરંતુ વોલ્ટેજમાં આવતી ભારે વધ-ઘટને કારણે સોસાયટીના અનેક ઘરોમાં ટીવી, ફ્રીજ અને એસી જેવા કિંમતી વીજ ઉપકરણો બળી ગયા છે, જેનાથી રહીશોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. સોસાયટીના 100 થી વધુ મહિલાઓ અને પુરુષોનું ટોળું એકત્ર થઈને સીધું જ GEB કચેરીએ પહોંચ્યું હતું. હાલ તો ત્યાં કોઈએ ટૂંક સમયમાં ફોલ્ટ સુધારી દેવાની કોઈ પણ ખાતરી પણ આપી નથી. મામલો થાળે પાડ્યો પણ નથી. પરંતુ જો સમસ્યા યથાવત રહેશે તો આગામી દિવસોમાં ગોંડલના અન્ય વિસ્તારોમાં પણ જનતાનો રોષ જોવા મળી શકે છે.
હેમાંગ પરમાર જણાવ્યું હતું કે વૃંદાવનનગર 5 છેલ્લા ચાર દિવસથી અમારી સોસાયટીમાં રાતે મન ફાવે ત્યારે લાઈટ વઈ જાય છે. છેલ્લા ચાર દિવસથી સવારે સવારે રિપેર કરવા આવે છે અને આવે તો એ યોગ્ય રીતે રિપેર નથી કરતા અને પાછળથી કોઈ એના એન્જિનિયર ત્યાં કોઈ તપાસ કરવા નથી આવતા કે યોગ્ય રિપેર થયું છે કે નથી થયું.
અમે આજે સો થી પણ વધુ માણસો અહીંયા અરજી કરવા આવ્યા છીએ જી.ઈ.બી (GEB) એ. અહીંયા અમને સરખો જવાબ નથી મળ્યો, સંતોષ નથી મળ્યો અને ઘણાના ઘરે ઇલેક્ટ્રિકની વસ્તુઓ પણ બળી ગઈ છે. અમારી સોસાયટીમાં નાના છોકરાઓ છે, વડીલો છે તેમને રાતે આ ઉનાળામાં સૂવામાં અને બધી રીતે ગરમીમાં તકલીફ પડે છે.”
હિતેશભાઈ પટોડીયા જણાવ્યું હતું કે રજૂઆત કરવા અમે આવ્યા, દિવસે આવ્યા હતા ત્યારે સાહેબે એમ કીધું કે આખી સોસાયટીનો પ્રશ્ન છે અને તમે બે જ જણા રજૂઆત કરવા આવ્યા છો તો સોસાયટીના આખાએ આવવું જોઈએ ને એટલે રાત્રે આખી સોસાયટી રજુઆત કરવા આવી છે. પ્રશ્ન TC નો છે, છેલ્લા ત્રણ દિવસથી રાત્રે 12 વાગ્યાથી સવારના 5 – 6 વાગ્યા સુધી લાઈટ નથી હોતી. રાત્રે 12 વાગ્યે લાઈટ જતી રહે છે.
અહીં રજૂઆત કરવા આવ્યા ત્યારે એમ કીધું કે આખી સોસાયટીનો પ્રશ્ન છે તો લોડ વધારો માંગો બધા, અને બધાના બિલ ભેગા કરો – આવા જવાબો મળે છે. આ રજૂઆત કરી કરીને થાકી ગયા છીએ. કાલે GEB ની ગાડી આવી હતી તો એમને એમ કીધું કે અમે રાત્રે 2 વાગ્યે ચા પીવા ગયા હતા અને છેક સવારે 6 વાગ્યે આવ્યા.


