ઘોઘામાં હત્યાના આરોપી મિત્ર સાથે જતા યુવાનનું ગંભીર અકસ્માતમાં મોત
ભાઇની હત્યાનો બદલો લેવા શખ્સે ઇકો કારથી એકટીવાને હડફેટે લીધુ : બે ઘાયલ
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગરના ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામમાં એક વર્ષ જૂના હત્યાનો બદલો લેવા માટે ફિલ્મી ઢબે અકસ્માત સર્જીને એક યુવકની હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એટલે કે હત્યાના કેસના આરોપી સાથે જતા મિત્રને મોત મળ્યું છે. જ્યારે આરોપી સહિત બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘોઘા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ અનુસાર, ભુતેશ્વર ગામના વતની હાર્દિક કંટારીયા અને તેમનો મિત્ર સુનિલ ભૂતકાળમાં ગામના જ પિયુષ કંટારીયાના હત્યા કેસમાં જેલમાં હતા. જેમાં આરોપી હાર્દિક હાલ જામીન પર મુક્ત છે, જ્યારે સુનિલ હજુ પણ જેલમાં છે. ગત રોજ સુનિલને જાપ્તા હેઠળ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આથી હાર્દિક તેના મિત્ર શાંતિ કંટારીયા અને રોનક કંટારીયા સાથે એક્ટિવા (GJ-04-DG-3702) પર તેને મળવા હોસ્પિટલ ગયા હતા. ત્યાંથી ત્રણેય મિત્રો ડી-માર્ટ મોલમાં ગયા અને ત્યારબાદ સાંજે ચારેક વાગ્યે એક્ટિવા પર પરત ઘરે જવા નીકળ્યા હતા.
ત્રણેય મિત્રો જ્યારે અવાણીયા પીટીયાથી પીપળીયા પુલ વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી મૃતક પિયુષના ભાઈ હસમુખ ઉર્ફે શીશો કંટારીયાએ બદલાની ભાવનાથી પોતાની ઈકો ગાડી (GJ-04-DN-9337) રોંગ સાઈડમાં ફૂલ સ્પીડે ચલાવીને એક્ટિવા સાથે ધડાકાભેર ભટકાવી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઈકો ગાડી એક્ટિવા સહિત ત્રણેય મિત્રોને રોડ પર આશરે 100 ફૂટ સુધી ઢસડી ગઈ હતી. આ જીવલેણ અકસ્માત સર્જીને આરોપી હસમુખ પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો.
આ ભયાનક અકસ્માતમાં શાંતિ કંટારીયાને મોઢા તેમજ શરીરના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે આરોપી હાર્દિક અને રોનકને શરીરે અને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાર્દિકની હાલત વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે, જ્યારે રોનક હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


