ગોકુલધામ આવાસ ક્વાર્ટરમાં પ્રેમિકાના ઘરે જમીન મકાનના ધંધાર્થીનો ગળાફાંસો ખાઈ આપઘાત
15 મિનિટમાં ઘટેલી ઘટનાએ ઊભા કર્યા અનેક શંકાસ્પદ સવાલો, પરિવારજનોએ નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના સંત કબીર રોડ વિસ્તારમાં રહેતા અને જમીન-મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા અશોક ઉર્ફે કાનો રાજુભાઈ પ્લાન (ઉ.વ. 38) નામના યુવાને ગોકુલધામ આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતી પોતાની પ્રેમિકાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઘટનાને લઈ પરિવારજનોએ શંકા વ્યક્ત કરી યોગ્ય તપાસની માંગ ઉઠાવી છે.
મળતી માહિતી મુજબ, મૃતક અશોકના લગભગ દસ વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા અને તેની પાસે 12 વર્ષની એક દીકરી છે. છેલ્લા કેટલાક સમયથી ગોકુલધામ આવાસ યોજનામાં રહેતી રેશ્મા ઠેબા સાથે તેના પ્રેમ સંબંધો હોવાનું સામે આવ્યું છે.
પ્રેમિકા રેશ્માના જણાવ્યા મુજબ, ઘટનાના દિવસે સવારે બંને વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તે સવારે આશરે 7 વાગ્યે પરત સૂઈ ગઈ હતી અને માત્ર 15 મિનિટ બાદ જાગતાં જ અશોકને લટકતી હાલતમાં જોઈ ચોંકી ગઈ હતી. તરત જ તેણે આસપાસના લોકોને જાણ કરી અને પોલીસને પણ માહિતી આપતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. બીજી તરફ, પરિવારજનોએ આ ઘટનામાં કંઈક રહસ્ય હોવાની શંકા વ્યક્ત કરી છે. માત્ર 15 મિનિટમાં આવી ઘટના બની જાય અને નજીકમાં રહેલી વ્યક્તિને ખબર પણ ન પડે, તે માન્ય નથી, એમ પરિવારજનોએ જણાવ્યું હતું.
હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ઘટનાની સાચી હકીકત જાણવા પ્રયાસ હાથ ધર્યા છે.


