ગોંડલની અવની ઓઈલ મિલમાં મશીનમાં ફસાઈ જવાથી મહિલા શ્રમિકનું મોત
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ : મજૂરોમાં ભયનો માહોલ
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગોંડલ-ગુંદાળા રોડ પર આવેલી અવની ઓઈલ મિલમાં કામ કરતી વખતે એક મહિલા શ્રમિકનું મશીનમાં ફસાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. માત્ર ગઈકાલે જ કામે લાગેલા પરિવાર પર આજે સવારે આભ તૂટી પડ્યું છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ છે.
ગોંડલના ગુંદાળા રોડ સ્થિત અવની ઓઈલ મિલમાં આજે વહેલી સવારે શ્રમિક પરિવાર માટે કાળમુખો દિવસ ઉગ્યો હતો. મળતી માહિતી મુજબ, મૂળ પંચમહાલ જિલ્લાના ગોલણપુર ગામના વતની અને હાલ ગોંડલમાં રહેતા 55 વર્ષીય શારદાબેન લક્ષ્મણભાઈ ખાંટ આજે સવારે 7 વાગ્યે મિલમાં પોતાના કામે લાગ્યા હતા. સવારે આશરે 7:30 કલાકે મશીનમાં ખોળ અટવાઈ જતા, તેઓ તેને ધક્કો મારી રહ્યા હતા. આ દુર્ઘટનાગ્રસ્ત પળે અચાનક તેમનું કપડું મશીનમાં વીંટળાઈ ગયું હતું, જેને કારણે મહિલા પણ મશીનની અંદર ખેંચાઈ ગયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે શારદાબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અત્યંત દુઃખદ બાબત એ છે કે, ગઈકાલે સાંજે જ આ મહિલા, તેમના દીકરા અને ભત્રીજાને આ ઓઈલ મિલમાં કામે રાખવામાં આવ્યા હતા. મૃતક શારદાબેન તેમના દીકરા સાથે અવની ઓઈલ મિલની ઓરડીમાં જ રહેતા હતા. અકસ્માત બાદ મિલમાં દોડધામ મચી ગઈ હતી. ભારે જહેમત ઉઠાવીને, મશીનના ભાગો ખોલીને મૃતક મહિલાના નશ્વર દેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટના ઓઈલ મિલમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હોવાથી, ગોંડલ પોલીસે ફૂટેજના આધારે આગળની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે. રોજીરોટી કમાવવા આવેલા પરિવારના મોભીનું અચાનક મોત થતાં પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે.


