ગોવિંદપાર્કમાં અધિકમાસ નિમિત્તે મહિલા મંડળ દ્વારા નારાયણની પૂજા
પ્રભુની ભકિતમાં બહેનો તરબોળ થઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના નાનામૌવા રોડ પર આવેલા ગોવિંદપાર્ક સોસાયટી ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ (અધિકમાસ) ના દિવ્ય અવસર પર સોસાયટીની બહેનો (મહિલા મંડળ) દ્વારા ભગવાન પુરુષોત્તમ એટલે કે શ્રી હરિ વિષ્ણુની વિશેષ આરાધનાના ભાગરૂપે ભવ્ય અને પરંપરાગત નારાયણ પૂજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક ઉત્સવમાં સોસાયટીની મહિલાઓ અને શ્રદ્ધાળુઓએ પરમ આસ્થા સાથે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ અંગે વિગતો આપતા સોસાયટીના અગ્રણી શ્વેતાબેન ચંદારાણાએ જણાવ્યું હતું કે, અધિકમાસના આ પવિત્ર દિવસોમાં ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ હોવાથી ગોવિંદપાર્કની બહેનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજન સંપન્ન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ભાવિક બહેનો દ્વારા ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની તુલસીદલ, પીળા સુગંધિત પુષ્પો તેમજ ચંદનથી અર્ચના કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવતા બહેનોએ એકચિત્તે ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ ના મહામંત્રના જાપ કર્યા હતા તેમજ વિષ્ણુ સહસ્ત્રનામ અને ગોપાલ સહસ્ત્રનામનું સામૂહિક પઠન કરીને આધ્યાત્મિક ધન્યતા અનુભવી હતી.
આ આયોજનને સફળ બનાવવા માટે ગોવિંદપાર્કની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. પૂજાના અંતે ભગવાન પુરુષોત્તમને વિશેષ નૈવેદ્ય અને પવિત્ર પ્રસાદ ધરીને મહાઆરતી કરવામાં આવી હતી, જેનો લાભ લઈ તમામ શ્રદ્ધાળુઓ કૃતાર્થ થયા હતા. ગોવિંદપાર્કના આંગણે બહેનો દ્વારા યોજાયેલા આ પવિત્ર આયોજને સમગ્ર વિસ્તારમાં ભક્તિની સરવાણી વહાવી દીધી છે.


