શહેરીજનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ
ગુજરાતની પ્રજાની આગવી અસ્મિતા અને ગૌરવનો સહજ સ્વભાવિક રણકો છે, આપણું ગુજરાત એ આગવું ગુજરાત છે તેની તોલે કોઈન આવી શકે
અગ્ર ગુજરાત, રાજકોટ
વિધાનસભા-૬૮, રાજકોટ ના ધારાસભ્ય ઉદય કાનગડએ શહેરીજનોને આજે તા. ૧ લી મે, ના ગુજરાત રાજયના ૬૬માં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્જીન સાબીત થઈ રહયુ છે અને સમગ્ર વિશ્વમાં ગુજરાતનું વિકાસ મોડેલ પ્રખ્યાત છે. ગુજરાતની પ્રજાની આગવી અસ્મિતા અને ગૌરવનો સહજ સ્વભાવિક રણકો છે, આપણુ ગુજરાત એ આગવું ગુજરાત છે. તેની તોલે કોઈ ન આવી શકે. ભાષા અને સંસ્કૃતિના સ્વાભિમાનને આધારે બનેલું ગુજરાત આજે વિકાસ, સંસ્કાર અને સાહસનું પ્રતિક બની વિશ્વમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી ચૂક્યું છે. ગુજરાત સ્થાપના દિવસ માત્ર એક તારીખ નથી, તે ગુજરાતની આત્મા, અસ્મિતા અને અડગ સંકલ્પનો ઉત્સવ છે. ગુજરાતની પ્રકૃતિદત કેળવાયેલી કોઠાસૂઝ અને પડકારો સામે પ્રજાશક્તિથી પ્રતિકાર કરીને પાર ઉતરવાની શકિત અને વિકાસ માટેની ઉત્કટ ક્ષમતા એ જ ગુજરાતને સૌથી નોખુ તારવે છે. અહિંસા અને સહિષ્ણુતા એની ગળથૂથીમાં છે, સંવેદના એની માનવવૃતિમાં છલકે છે. ગુજરાતીઓ જયા જયા વસે છે ત્યા તેની સંસ્કારો અને ઉદ્યમશીલતાથી એક ગુજરાત ઉભુ કર્યુ છે. ગુજરાતની ઘરાએ સાહિત્યથી લઈને વિજ્ઞાન, રમતગમતથી લઈને ઉદ્યોગ અને સામાજિક સેવા સુધી દરેક ક્ષેત્રમાં વિશ્વપટ પર પોતાની આગવી છાપ છોડી છે. વિશ્વને મહાન વિચારકો અને કર્તાઓ આપ્યા છે.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, દેશની એકતા અને અખંડિતતાના શીલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, તેમજ ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોષી, પન્નાલાલ પટેલ, વિક્રમ સારાભાઈ, હોમી ભાભા, સુનિતા વિલીયમ્સ સહિતનાનું સાહિત્ય, સંગીત, કલા, નાટય, ઉદ્યોગ, ધંધાકીય, સામાજીક, શિક્ષણ, વિજ્ઞાાન જેવા અનેકવિધ ક્ષેત્રમાં અનેક ગુજરાતીઓનું મોટુ યોગદાન રહેલુ છે.
વધુમાં ઉદયભાઈ કાનગડએ જણાવેલ કે ૧ લી, મે ૧૯૬૦ના દિવસે ગુજરાતને સ્વતંત્ર રાજયનો દરજજો મળ્યો હતો. ભારતમાં ભાષાવાર રાજયોની પુનઃ રચના કાર્યક્રમ અંતર્ગત બૃહદ મુંબઈ રાજયમાંથી ગુજરાતની સ્થાપના થઈ હતી. આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવી છે. આજે ગુજરાત દેશનું સૌથી વિકસિત રાજય છે. ગુજરાતે આઝાદી પછી વિકાસની હરણફાળ ભરી છે અને ગુજરાતનું નામ દુનિયાભરમાં ગાજતું થયું છે.
ગુજરાતનો ઈતિહાસ શરૂઆતથી જ ખૂબ વૈભવશાળી રહયો છે. લોથલ અને ધોળાવીરા જેવી સિંધુ ખીણ સંસ્કૃતિથી મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર સુધી ગુજરાતે દેશના ઈતિહાસમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. શ્રીકૃષ્ણના ધ્વારકાધામથી લઈ સુફી સંસ્કૃતિ સુધી, ગુજરાત એક સાંસ્કૃતિક મેળાપનું પણ ઉદાહરણ છે. ગુજરાતના પનોતા પુત્ર અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં સતત માર્ગદર્શન, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ ખમીરવંતા ગુજરાતીઓના અથાક પરિશ્રમથી ભારતના અર્થતંત્રમાં ગુજરાત એક મહત્વપૂર્ણ શકિતશાળી રાજય તરીકે વિશેષ સ્થાન ધરાવે છે.


