એચ. વી. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ખાતે વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા નર્સિંગ સ્કિલ્સનું જીવંત પ્રદર્શન યોજાયું
ટેકનોલોજીના ઉપયોગ અંગે છાત્રો અને ફેકલ્ટીઓને માર્ગદર્શન અપાયું હતું
અગ્ર ગુજરાત, રાજકોટ
એચ. વી. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. NASCO Healthcare ના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં નર્સિંગ શિક્ષણમાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અંગે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ઇન્સ્ટિટ્યૂટના અંતિમ વર્ષના બી.એસ.સી. નર્સિંગ, જી.એન.એમ.ના વિદ્યાર્થીઓ, નર્સિંગ ફેકલ્ટીઓ તેમજ એલ.આર.શાહ હોમિયોપેથી કોલેજના ફેકલ્ટીઓ સમક્ષ VR ટેક્નોલોજી દ્વારા વિવિધ ક્લિનિકલ નર્સિંગ પ્રક્રિયાઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આધુનિક VR ટેક્નોલોજીના માધ્યમથી દર્દીની સુરક્ષા જાળવીને વાસ્તવિક ક્લિનિકલ પરિસ્થિતિ જેવો અનુભવ મેળવી શકાય છે. સાથે સાથે વિદ્યાર્થીઓની ક્લિનિકલ કુશળતા, આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થાય તે માટે પણ વિશેષ તાલીમ આપવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડો. આશિષ ગૌતમે જણાવ્યું હતું કે, “નર્સિંગ શિક્ષણમાં નવીન ટેક્નોલોજીનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને આધુનિક શિક્ષણ પૂરું પાડવાનું સંસ્થાનું મુખ્ય લક્ષ્ય છે. સમયાંતરે આવા નવતર કાર્યક્રમોનું આયોજન કરીને આ લક્ષ્યને સાર્થક કરી રહ્યા છીએ. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉત્તમ અને કુશળ નર્સિંગ વ્યાવસાયિક બનવામાં મહત્વપૂર્ણ સહાયરૂપ સાબિત થશે.” તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓએ VR આધારિત તાલીમ પદ્ધતિને આધુનિક નર્સિંગ શિક્ષણ માટે ઉપયોગી અને પ્રેરણાદાયી ગણાવી હતી.


