રાજકોટના વાવડીમાં આશાસ્પદ કોમ્પ્યુટર એન્જિનિયર યુવાનનો આપઘાત
રાત્રે પરિવાર સાથે બેઠા બાદ અચાનક રૂમમાં જઈને ઝેરી દવા પી લેતા મોત, પરિવારમાં શોકનું મોજું.
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના વાવડીમાં રહેતા આશાસ્પદ 30 વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયર યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને બનાવનું કારણ જાણવા તપાસનો ધમધમાટ આદર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ વાવડી ગામમાં આવેલ ઓજસઓરા સોસાયટીમાં રહેતા પિયુષભાઈ ધનજીભાઈ કામાણી (ઉં.વ.30) એ ગઈ મોડી રાતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે અંગે તેમની સાથે રહેતા તેમના મોટાભાઈને જાણ થતા તુરંત જ તેમને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પહેલા જ આશાસ્પદ યુવકનું મોતની નિપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહની પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક પિયુષ કામાણી મૂળ જામકંડોરણાના રામપર ગામના વતની છે અને તેને પોતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નો અભ્યાસ કરેલ હતો. તે તેમના ભાઈ ભાભી સાથે એક વર્ષ પહેલા જ વાવડી ખાતે રહેવા આવેલ અને મૃતક હાલ ઓનલાઈન બિઝનેસ કરતો હતો. ગઈ રાતે ભાઈ ભાભી સાથે બેઠા બાદ તે પોતાના રૂમમાં જઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી પગલું ભરી લીધું હતું. હાલ બનાવ અંગે પોલીસે કારણ જાણવા તજવીજ આદરી છે.


