જંગલેશ્વરમાં 1.735 કી.ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો
ભક્તિનગર પોલીસે દરોડો પાડી ૯૬ હજારના મુદ્દામાલ સાથે ઇમતુડાને ઝડપી લીધો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી SAY NO TO DRUGS ડ્રાઇવ હેઠળ ભક્તિનગર પોલીસને મહત્વની સફળતા મળી છે. જંગલેશ્વર વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને ગેરકાયદે ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી રૂા. ૯૬,૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ મકવાણા અને યુવરાજસિંહ જાદવને ચોક્કસ બાતમી મળી હતી કે જંગલેશ્વર શેરી નં. ૩૧ ખાતે આવેલા મકાનમાં ગાંજાનો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન મકાનમાંથી અંદાજે ૧.૭૩૫ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂા. ૮૬,૭૫૦ થાય છે. ઉપરાંત સ્થળ પરથી બે મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૯૬,૭૫૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. એફએસએલ અધિકારી કે.એમ. તાવીયાએ પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલ પદાર્થ ગાંજો હોવાનું નિશ્ચિત કર્યું હતું.
આ મામલે પોલીસે ૨૮ વર્ષીય ઇમ્તિયાઝ ઉર્ફે ઇમતુડો ભીખુભાઇ ઉર્ફે મહેબૂબભાઇ પઠાણ (રહે. જંગલેશ્વર, રાજકોટ) ની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ મારામારી, દારૂ અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલો રહી ચૂક્યો છે તથા તેની સામે પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી ડ્રાઇવ અંતર્ગત આ કાર્યવાહી અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી હેતલ પટેલ અને એસીપી બી.વી. જાધવની દેખરેખ હેઠળ હાથ ધરાઈ હતી. સમગ્ર ઓપરેશનમાં પીઆઇ જે.ડી. પરમાર અને પીએસઆઇ જે.જે. ગોહિલની ટીમ સાથે એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ્ટેબલ હરવિજયસિંહ ગોહિલ, રમેશભાઇ માલકીયા, કેતનભાઇ બોરીચા સહિતનો સ્ટાફ તથા હોમગાર્ડ જવાનો સક્રિય રીતે જોડાયા હતા.


