જેતપુરના અરણીટીંબા ગામે ખૂંટીયો આડો પડતા બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત
યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુરના આરબ ટીબડી ગામ નજીક એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તા પર અચાનક ખૂંટિયો આડો ઉતરતા બાઈક પરથી પટકાયેલા 29 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન કમનસીબ મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મળતી માહિતી મુજબ, જેતપુર તાલુકાના આરબ ટીબડી ગામમાં રહેતા ગૌતિક કોંરાટ નામનો 29 વર્ષીય યુવાન પોતાના બાઈક પર સવાર થઈને ઘરે જઈ રહ્યો હતો. તે ગામના પંચાયત બોર પાસે પહોંચ્યો ત્યારે રસ્તા પર અચાનક એક ખૂંટિયો આડો આવી ગયો હતો. ખૂંટિયાને બચાવવા જતાં ગૌતિકનું બાઈક સ્લિપ થઈ ગયું હતું અને તે રોડ પર જોરદાર પટકાયો હતો.
અકસ્માતમાં ગૌતિકને ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસ કરી ગૌતિકને મૃત જાહેર કર્યો હતો. યુવાનના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ઘટનાની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. યુવાનની અકાળે વિદાયથી પરિવાર અને આરબ ટીબડી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. રસ્તાઓ પર રખડતા ઢોરોનો ત્રાસ અનેક વખત જીવલેણ સાબિત થઈ રહ્યો છે, ત્યારે સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.


