ઉનાના દેલવાડા પંચાયતમાં ગેરરીતિ મુદ્દે DDOની તવાઈ : ભાજપના મહિલા સરપંચ ડિસમિસ
ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રદેશ મંત્રી વિજય બાંભણિયા અને પૂર્વ બાળ વિકાસ ચેરમેન પૂજાબેન બાંભણિયા સામે કાયદાકીય સિકંજો ; પતિ-પત્ની સામે રૂ.૧૨ લાખનો દંડ
અગ્ર ગુજરાત, ઉના
ઉના તાલુકાના દેલવાડા ગામમાં ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં થયેલી આર્થિક ગેરરીતિ અને સત્તાના દુરુપયોગ મામલે જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા મોટી આકરા આદેશો સાથે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક ભાજપમાં ભારે દબદબો ધરાવતા દંપતી નેતાઓ સામે થયેલી આ કાર્યવાહીથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
DDO સ્નેહલ ભાપકર દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ ૫૭(૧) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને દેલવાડા ગ્રામ પંચાયતના વર્તમાન મહિલા સરપંચ અને જિલ્લા પંચાયતની બાળ વિકાસ સંકલન સમિતિના પૂર્વ ચેરમેન પૂજાબેન વિજયભાઈ બાંભણિયાને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. વારંવારની કસુર અને પંચાયત ભંડોળમાં આર્થિક નુકસાન પહોંચાડવા બદલ આ પગલું ભરાયું છે.
પંચાયત અધિનિયમની કલમ ૨૬૭(૧)(૨) મુજબ પંચાયતને પહોંચાડેલા નાણાકીય નુકસાન બદલ વર્તમાન સરપંચ પૂજાબેન બાંભણિયા પાસેથી રૂ. ૮,૦૫,૩૩૩ અને તેમના પતિ તેમજ તત્કાલીન સરપંચ અને ભાજપના પૂર્વ પ્રદેશ યુવા સંગઠન મંત્રી વિજયભાઈ લાખાભાઈ બાંભણિયા પાસેથી રૂ. ૩,૯૬,૦૦૦ મળીને કુલ રૂ. ૧૨,૦૧,૩૩૩ ની મોટી રકમ પંચાયતના સ્વભંડોળમાં જમા કરાવવાનો આદેશ અપાયો છે. આ આદેશની નકલ TDO, મામલતદાર અને તલાટી મંત્રીને અમલવારી માટે મોકલી દેવામાં આવી છે.
૩૦ સપ્ટેમ્બર સુધીમાં રકમ નહી ભરાય તો થશે વધુ કાર્યવાહી
DDOના હુકમમાં સ્પષ્ટ જણાવાયું છે કે આ ગેરરીતિ અને નુકસાનીની રકમ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં જમા કરાવી દેવાની રહેશે. જો નિર્ધારિત મુદતમાં રકમ જમા કરવામાં કસુર થશે તો સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ આગળની કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ભાજપ સંગઠનથી લઈને પંચાયત સુધી દંપતીનો હતો દબદબો
ભાજપના સંગઠનમાં પૂર્વ પ્રદેશ યુવા સંગઠન મંત્રી તરીકે રહી ચૂકેલા વિજયભાઈ બાંભણિયા અને જિલ્લા પંચાયતની બાળ વિકાસ સંકલન સમિતિના ચેરમેન રહી ચૂકેલા પૂજાબેનનો પ્રદેશ સંગઠન સુધી ભારે દબદબો હતો. સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા આ હાઈપ્રોફાઈલ દંપતી સામે આટલી મોટી નાણાકીય વસૂલાત અને સસ્પેન્શનનો આદેશ આવતાં ઉના પંથકના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.


