અમેરિકા-ઈરાન શાંતિ કરારથી અચ્છે દિનની આશા
મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત
હોર્મુઝ સ્ટ્રેટમાં પુરવઠો સામાન્ય બનતાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાની શક્યતા; પેટ્રોલ, LPG, દવાઓ, ટાયર અને કૃષિ ઇનપુટ્સ પર પડી શકે સીધી અસર.
પરિવહન, કૃષિ અને ઘરગથ્થુ ખર્ચ પર પડશે સકારાત્મક અસર
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલતા તણાવ બાદ શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડના બર્ગનસ્ટોક રિસોર્ટ ખાતે યોજાનારી ઐતિહાસિક શાંતિ વાટાઘાટો ભારત સહિત વિશ્વના અનેક દેશો માટે આર્થિક રાહતના સમાચાર લઈને આવી શકે છે. બંને દેશો વચ્ચે સંભવિત શાંતિ કરાર અમલમાં આવ્યા બાદ વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા આવવાની અને કાચા તેલના ભાવમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારત તેની ઊર્જાની જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં આયાત પર આધારિત છે. ખાસ કરીને પેટ્રોલિયમ ઉત્પાદનો, LPG અને ફૂડ ઓઈલની આયાત માટે ભારત હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ પર નિર્ભર છે. યુદ્ધ અને તણાવના કારણે આ માર્ગ પર ઉભા થયેલા અવરોધોથી વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થયો હતો. હવે શાંતિ કરારથી પુરવઠો સામાન્ય બનવાની શક્યતા હોવાથી પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવમાં રાહત મળી શકે છે.
કાચા તેલના ભાવમાં ઘટાડો માત્ર ઈંધણ પૂરતો મર્યાદિત નહીં રહે. ડીઝલના ભાવ ઘટતાં માલસામાનના પરિવહન ખર્ચમાં ઘટાડો થશે, જેના કારણે શાકભાજી, ફળો અને અન્ય દૈનિક વપરાશની ચીજવસ્તુઓના ભાવ પર પણ સકારાત્મક અસર પડી શકે છે. કૃષિ ક્ષેત્રમાં વપરાતા ખાતર અને અન્ય ઇનપુટ્સના ખર્ચમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.
પેટ્રોલિયમ આધારિત કાચા માલમાંથી બનેલા અનેક ઉત્પાદનો જેમ કે સિન્થેટિક યાર્ન, પ્લાસ્ટિક, રબર અને પેટ્રોકેમિકલ્સ સસ્તા બનતાં કપડાં, ડિટર્જન્ટ, સાબુ, કોસ્મેટિક્સ અને ઘરગથ્થુ વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. રેડીમેડ ગાર્મેન્ટ્સ, સ્પોર્ટ્સવેર, કાર્પેટ અને પડદાં જેવા ઉત્પાદનોના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાથી ગ્રાહકોને સીધો લાભ મળી શકે છે. આ ઉપરાંત તબીબી ક્ષેત્રમાં વપરાતી અનેક વસ્તુઓ પર પણ તેની અસર જોવા મળી શકે છે. દવાઓ, સિરીંજ, ગ્લુકોઝ બોટલ, મેડિકલ ટ્યુબ, ગ્લોવ્સ અને માસ્ક જેવા ઉત્પાદનોમાં વપરાતા કાચા માલના ખર્ચમાં ઘટાડો થવાથી તેમની કિંમતો પણ નીચે આવી શકે છે.
ટાયર ઉદ્યોગને પણ મોટી રાહત મળી શકે છે. ટાયર બનાવવા માટે જરૂરી સિન્થેટિક રબર પેટ્રોલિયમ આધારિત હોવાથી કાચા તેલના ભાવ ઘટતાં ઉત્પાદન ખર્ચ ઓછો થશે. પરિણામે વાહનચાલકોને ટાયરની ખરીદીમાં પણ ફાયદો થઈ શકે છે.
એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં ઘટાડો થવાથી એરલાઇન્સ કંપનીઓના ખર્ચમાં રાહત મળશે. જેના કારણે ભવિષ્યમાં હવાઈ મુસાફરી વધુ સસ્તી બનવાની શક્યતા છે. અર્થશાસ્ત્રીઓના મતે જો કાચા તેલના ભાવ લાંબા ગાળે નીચા રહે તો દેશમાં ફુગાવાનો દર પણ નિયંત્રણમાં આવી શકે છે. જેના કારણે રિઝર્વ બેંક માટે વ્યાજદર સ્થિર રાખવા અથવા ઘટાડવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. પરિણામે હોમ લોન, કાર લોન અને બિઝનેસ લોનના EMI પર પણ રાહત મળવાની શક્યતા છે. આમ અમેરિકા-ઈરાન શાંતિ કરાર માત્ર વૈશ્વિક રાજકીય ઘટના નહીં, પરંતુ ભારતના સામાન્ય નાગરિકના રસોડાથી લઈને મુસાફરી, દવાઓ અને લોન સુધીના ખર્ચ પર સકારાત્મક અસર કરનારી આર્થિક તક સાબિત થઈ શકે છે.
પેટ્રોલ-ડીઝલમાં મળશે રાહત
કાચા તેલના ભાવ ઘટવાની શક્યતા
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો
પરિવહન ખર્ચ ઓછો થશે
LPG સિલિન્ડર થઈ શકે સસ્તા
ભારતની 88% LPG આયાત આ માર્ગથી
પુરવઠો સરળ બનશે
ઘરેલુ ગેસના ભાવ સ્થિર અથવા ઓછા થઈ શકે
ખાદ્ય તેલના ભાવમાં ઘટાડાની આશા
આયાતમાં સરળતા આવશે
બજારમાં ઉપલબ્ધતા વધશે
રસોઈ ખર્ચ ઘટી શકે
કપડાં અને ઘરગથ્થુ વસ્તુઓ સસ્તી થશે
સિન્થેટિક યાર્ન અને પ્લાસ્ટિક સસ્તાં
ડિટર્જન્ટ, સાબુ અને કોસ્મેટિક્સમાં રાહત
રેડીમેડ ગાર્મેન્ટ્સના ભાવ ઘટી શકે
દવાઓ અને મેડિકલ સામગ્રીમાં ઘટાડો
સિરીંજ, ગ્લોવ્સ, માસ્ક સસ્તાં થઈ શકે
મેડિકલ પેકેજિંગ ખર્ચ ઘટશે
દવાઓના ઉત્પાદન ખર્ચમાં રાહત
ખેડૂતોને મળશે ડબલ ફાયદો
ખાતર સસ્તાં થવાની શક્યતા
જંતુનાશકોના ભાવ ઘટી શકે
ખેતી ખર્ચમાં ઘટાડો
ટાયર અને રબર ઉદ્યોગને રાહત
સિન્થેટિક રબર સસ્તું થશે
ટાયર ઉત્પાદન ખર્ચ ઘટશે
વાહન માલિકોને સીધો ફાયદો
હવાઈ મુસાફરી અને EMIમાં રાહત
ATF સસ્તું થતાં એરફેર ઘટી શકે
ફુગાવો નિયંત્રણમાં રહેવાની આશા
હોમ, કાર અને બિઝનેસ લોનના EMI પર અસર શક્ય


