જસદણની આલ્ફા સ્કૂલમાં સંચાલકોની બેદરકારીથી ૧૦ વર્ષની વિદ્યાર્થિનીનું મોત
તાવ અને અછબડાથી બિમાર પડતા રાજકોટ સારવારમાં લઇ આવતા જીવ ગયો : સંચાલકોની બેદરકારીના કારણે જીવ ગયો હોવાનો પરિવારનો આક્ષેપ : સંચાલકોએ પણ બેદરકારીનો સ્વીકાર કર્યો
અગ્ર ગુજરાત, જસદણ
રાજકોટના જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થિનીને પહેલા અછબડા અને તાવ આવ્યા બાદ તબિયત બગડતા પ્રથમ જસદણ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ ત્યાં દીકરીએ દમ તોડી દીધો. વિદ્યાર્થિની છેલ્લા 15 દિવસથી બિમાર હતી અને સ્કૂલ દ્વારા દીકરીને અછબડા થયા છતાં તેની જાણ પરિવારને કરવામાં ન આવી.
જે બાદ તબિયત ખરાબ થતા પરિવારને જાણ કરવામાં આવતા પરિવારજનોએ શાળા સંચાલકોની બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે. સ્કૂલની હોસ્ટેલના સંચાલક દ્વારા બેદરકારી હોવાનું સ્વીકારવામાં આવ્યું, ત્યારે આ મામલે શિક્ષણ વિભાગ શું એકશન લે છે તે આગામી સમય જ બતાવશે.
આલ્ફા હોસ્ટેલના હિરેન શંખારવાએ જણાવ્યું હતું કે, આજે બપોરે 1 વાગ્યે દીકરીએ કહ્યું કે, પગમાં ખાલી ચડી ગઈ છે. જે બાદ ઊભી થવાનું કહ્યું તો હલન ચલન નહોતી કરતી. જેથી અમને એવું હતું કે આંચકી ઉપડી છે. જે બાદ અમે તુરંત જ હોસ્પિટલમાં તેને લઈ ગયા અને ઇમરજન્સીમાં ટ્રીટમેન્ટ શરૂ કરી દેવામાં આવી. જોકે ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે, ઓક્સિજનનો પ્રોબ્લેમ છે અને બીપી લો થાય છે જેથી રાજકોટ લઈ જવા પડશે.
જે બાદ અમે પહેલા અમૃતા અને ત્યારબાદ સિનરજી હોસ્પિટલ મળી ગયા તો ત્યાંથી એવું કહેવા માગ્યું કે સિવિલ હોસ્પિટલમાં લઇ જાઓ. જોકે અગાઉ દીકરીને અછબડા થયા હતા, ત્યારે તેની જાણ પરિવારને કરવામાં આવી ન હતી. જોકે તે વખતે દવા તો આપી જ હતી. તે વખતે બેદરકારી થઈ હતી તેઓ સ્વીકારું છું.
પિતા રમેશભાઈ બલદાણીયાએ જણાવ્યું હતું કે, મારી દીકરી આયુષીને જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં 27 એપ્રિલે આવ્યો હતો. પછી મારી દીકરી સાથે મારે વાત થઈ ન હતી અને આજે અચાનક અને સ્કૂલમાંથી ફોન આવ્યો કે તમારી દીકરીને અગાઉ અછબડા હતા અને તાવ આવ્યો હતો. તેમાં સારું છે પરંતુ અત્યારે પગ દુખે છે. જેથી અમે તેને રાજકોટ લઈને જઈએ છીએ તમે રાજકોટ આવો.
બાબરા પહોંચ્યો ત્યારે ફરી ફોન આવ્યો કે તમારી દીકરીને યશ હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાં એવું કહ્યું કે છોકરી ઠંડી પડી ગઈ છે જેથી તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ. જોકે સિવિલ હોસ્પિટલમાં હું આવ્યો તો મેં મારી દીકરીનો મૃતદેહ જોયો. જોકે આ ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ બની ગયો અને શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી તેમજ દીકરીને ન્યાય અપાવવાની માંગ ઉઠાવી છે.
ઘટનાને વધુ ગંભીર બનાવતી બાબત એ છે કે, શાળા સંચાલકોએ પણ પરિવારને સમયસર જાણ ન કરવી પોતાની ભૂલ હોવાનું સ્વીકાર્યું હોવાનું સામે આવ્યું છે. હવે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ તંત્ર અને સંબંધિત અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. વિદ્યાર્થિનીના મોત પાછળ ખરેખર સ્કૂલની બેદરકારી છે કે નહીં તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.


