જેતપુરમાં પાલિકા તંત્ર સામે સુવિધાઓથી વંચિત આંબેડકરનગરના રહીશોનો હોબાળો
નિયમિત ટેક્સ ભરવા છતાં રસ્તા, ગટર અને લાઈટના ફાંફા; ‘નગરપાલિકા હાય-હાય’ના નારા સાથે ચીફ ઓફિસરને પાઠવ્યું આવેદન, ૧૫ દિવસનું અલ્ટીમેટમ
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર-નવાગઢ નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી અને અન્યાયી વહીવટ સામે સ્થાનિક રહીશોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં આવેલ નવાગઢ વિસ્તારના આંબેડકરનગરના રહીશો અને મહિલાઓએ ૪૦-૪૦ વર્ષથી પાયાની સુવિધાઓ ન મળતા નગરપાલિકા કચેરી ઘેરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ‘નગરપાલિકા હાય હાય’ના નારા લગાવી કચેરી પરિસર ગજવી મૂક્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આંબેડકરનગર વિસ્તારના લોકો નિયમિતપણે નગરપાલિકામાં તમામ ટેક્સ અને વેરા ભરપાઈ કરે છે. છતાં પણ સાફ-સફાઈ, પાકા રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને ભૂગર્ભ ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી તેમને વંચિત રાખવામાં આવ્યા છે. વોર્ડ નંબર ૨ના કોંગ્રેસના સભ્ય જયશ્રીબેન બગડાની આગેવાનીમાં મહિલાઓએ પાલિકા તંત્રના પક્ષપાતી વલણ સામે મોરચો માંડ્યો હતો. લોકોએ આરોપ લગાવ્યો હતો કે શહેરમાં અમુક ખાસ વિસ્તારોમાં સારા અને પાકા રોડ તોડીને ફરીથી નવા બનાવાય છે, પણ જ્યાં વર્ષોથી રસ્તાનું નામોનિશાન નથી ત્યાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
રજૂઆત બાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવ પરમારે જણાવ્યું હતું કે, રોડ-રસ્તાના કામો ક્યાં મંજૂર કરવા તે જનરલ બોર્ડમાં નક્કી થતું હોય છે અને આ બાબતે પ્રમુખ સમક્ષ રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત કચરો ઉપાડવો, ગટર અને લાઈટ જેવા બાકી પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે તેમણે સ્ટાફને આદેશો આપ્યા છે.
મહિલા હોદ્દેદારોના બદલે ‘પતિશાહી’ ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ
રજૂઆત દરમિયાન વોર્ડ નં. ૨ના સભ્ય જયશ્રીબેન બગડાએ રાજકીય ગરમાવો લાવી દે તેવો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે લતાવાસીઓ રજૂઆત કરવા નગરપાલિકાના મહિલા પ્રમુખ મીનાબેન ઉસદડિયા અને ઉપપ્રમુખ સ્વાતિબેન જોતાંગીયાને મળવા ગયા, ત્યારે બંને કચેરીમાંથી ગાયબ હતા! તેમની જગ્યાએ તેમના પતિઓ જ વહીવટી કામગીરી ચલાવતા હોવાનું અને હસ્તક્ષેપ કરતા હોવાનું સામે આવ્યું છે. સરકાર એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરે છે અને બીજી તરફ જેતપુર પાલિકામાં મહિલા હોદ્દેદારોના બદલે ‘પતિશાહી’ ચાલતી હોવાનો સણસણતો આક્ષેપ કરાયો છે.
૧૫ દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી
પાલિકા તંત્રના કાન ઉઘાડતા સ્થાનિક સભ્ય અને આક્રોશિત મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો આગામી ૧૫ દિવસની અંદર આંબેડકરનગરમાં રસ્તા, પાણી, લાઈટ અને સફાઈના પ્રશ્નો હલ નહીં થાય તો ઉગ્ર આંદોલન અને ઉપવાસ આંદોલન છેડવામાં આવશે. આ દરમિયાન જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.


