જેતપુરની આલ્ફા સ્કૂલ સામે ABVPનો આક્રોશ: વધુ ફી વસૂલવાના મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કાર્યકરોના હલ્લાબોલ સામે શાળા સંચાલકો ઝૂક્યા; પોતાની ભૂલ સ્વીકારી વાલીઓને વધારાની ફી પરત કરી
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુરના અમરનગર રોડ પર આવેલી આલ્ફા સ્કૂલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી નિયમ વિરુદ્ધ અને મનસ્વી રીતે ઊંચા દરે વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે એક ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થાનિક વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મળતી ફરિયાદોના આધારે એબીવીપીના કાર્યકર્તાઓએ શાળા પર પહોંચીને આ વિરોધ નોંધાવ્યો હતો.
જેતપુરના અમરનગર રોડ પર આવેલી આલ્ફા સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસેથી નિયમ વિરુદ્ધ અને મનસ્વી રીતે વધુ ફી વસૂલવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શાળા પરિસરમાં પહોંચીને ABVP દ્વારા અનોખી અને ગાંધીજીના માર્ગે વિરોધ પ્રદર્શન કરવાની પદ્ધતિ અપનાવવામાં આવી હતી. વિરોધના ભાગરૂપે વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાંથી બહાર કાઢીને શાળાની લોબીમાં નીચે બેસાડી દેવામાં આવ્યા હતા અને ત્યાં રામધૂન બોલાવીને શાળા પ્રશાસન સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ અનોખા વિરોધ પ્રદર્શનથી શાળા સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી અને ભારે દબાણ ઊભું થયું હતું.
આ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABPV) દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે રજૂઆત હતી કે ધોરણ 9 અને 10 તેમજ અન્ય ધોરણોના વિદ્યાર્થીઓ પાસે પ્રવેશ અને શિક્ષણના નામે નિયમ વિરુદ્ધ જઈને ભારેખમ રકમ વસૂલવામાં આવી રહી છે. નિયમ મુજબ માત્ર 1,100 રૂપિયા જ પ્રવેશન ફી (એડમિશન ફી) લેવાની જોગવાઈ હોવા છતાં, શાળા સંચાલકો દ્વારા મનસ્વી રીતે 1,500 થી લઈને 3,000 કે 4,000 રૂપિયા સુધીની મસમોટી ફી લેવામાં આવતી હતી. સૌથી મોટી અનિયમિતતા એ હતી કે આ વધારાની રકમ પેટે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અધિકૃત પાકી પહોંચ કે રસીદ આપવામાં આવતી નહોતી, જેના કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ મામલે એબીવીપીના જિલ્લા સંયોજક ઓમ સોલંકી અને કાર્યકર્તાઓએ શાળાના આચાર્ય તથા સંચાલકોને રૂબરૂ મળીને આકરા સવાલો કર્યા હતા અને સ્પષ્ટતા માંગી હતી. પ્રદર્શન ઉગ્ર બનતા અને વિરોધનું સ્વરૂપ વ્યાપક થતાં અંતે શાળાના આચાર્ય અને સંચાલકો ઝૂક્યા હતા અને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. શાળા સત્તાધીશોએ ખૂલાસો કર્યો હતો કે શિક્ષકોના ઘટેલા પગાર અથવા તેની પૂર્તિ કરવાના હેતુસર ભૂલથી વિદ્યાર્થીઓ પાસેથી આ વધારાની ફી લેવાઈ ગઈ હતી, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર અને અયોગ્ય છે.
વિવાદ વધતો જોઈને શાળા સંચાલકોએ તાત્કાલિક ધોરણે પોતાની ભૂલ સુધારી હતી અને ત્યાં હાજર વિદ્યાર્થીઓને અંદાજે 1,000 રૂપિયા જેટલી ફી તાત્કાલિક પરત આપી હતી. સાથે જ બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓની ફી આગામી પાંચ દિવસની અંદર પરત કરી દેવાની સત્તાવાર બાંહેધરી આપી હતી. એબીવીપી દ્વારા અંતે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો નિર્ધારિત પાંચ દિવસની સમયમર્યાદામાં તમામ વિદ્યાર્થીઓના નાણાં પરત કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આલ્ફા સ્કૂલને સંપૂર્ણપણે તાળાબંધી કરીને ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી શાળા પ્રશાસનની રહેશે.


