જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલનો વિરોધ કરતા આપ-પોલીસ વચ્ચે ઘર્ષણ
મનપા કમિશનર ઓફિસમાં રજુઆત કરવા જતા પોલીસે અટકાવતા રકઝક
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન વખતે ફરજ પરનો સ્ટાફ ૨૭ લાખની જીયાફત માણી ગયો હતો. તે મુદ્દો શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. જેના વિરોધમાં આમ આદમી પાર્ટી કાજુ-કતરીના પોસ્ટર સાથે મનપા કચેરીએ વિરોધ કરવા આવતા અને કમિશનરને રજુઆત કરવા જતા તેને અટકાવતા પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી.
આવેદનમાં આપે જણાવ્યું હતું કે જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડિમોલેશન કામગીરી દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ દ્વારા અંદાજે રૂ. 27 લાખ જેટલો ખર્ચ ચા-પાણી, નાસ્તા, મીઠાઈ તથા અન્ય આતિથ્ય પાછળ કરવામાં આવ્યો હોવાની માહિતી જાહેરમાં ચર્ચાઈ રહી છે.
રાજકોટ શહેરની જનતા મહાનગરપાલિકાને વિવિધ પ્રકારના વેરા અને કર સ્વરૂપે રકમ ચૂકવે છે. બીજી તરફ સામાન્ય નાગરિકો પાસેથી એડવાન્સ વેરો ઉઘરાવવામાં આવે છે, જીયારે જનતાના ટેક્સના પૈસાનો વિનજરૂરી અને અતિશય ખર્ચ કરવામાં આવ્યો હોય તેવી બાબત સામે આવી રહી છે. જો આ માહિતી સાચી હોય તો તે જાહેર નાણાંનો દુર્વ્યય ગણાય અને કરદાતાઓના હિત વિરુદ્વની બાબત છે.
જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન થયેલા તમામ ખર્ચની વિગત જાહેર કરવામાં આવે. રૂ. 27 લાખના ખર્ચ અંગે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. ખર્ચના તમામ બિલ, વાઉચર અને મંજૂરી સંબંધિત દસ્તાવેજો જાહેર કરવામાં આવે. જો કોઈ અધિકારી અથવા કર્મચારી દ્વારા જાહેર નાણાંનો ગેરવાજબી ઉપયોગ થયો હોય તો તેમની સામે કડક વહીવટી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં જનતાના ટેક્સના નાણાંનો બિનજરૂરી ખર્ચ ન થાય તે માટે પારદર્શક નીતિ અમલમાં મૂકવામાં આવે. જનતાના પૈસાનો એક-એક રૂપિયો જનહિતમાં વપરાય તે સુનિશ્વિત કરવું મહાનગરપાલિકાની જવાબદારી છે. તેથી આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરી યોગ્ય જવાબ આપવા માંગ કરી હતી.


