કચ્છમાં ઘોરડાના બીજા બચ્ચાનો પણ જન્મ
સિંહના સંરક્ષણ કરતા પણ મોટી સિધ્ધ ગણાવત્તા નિષ્ણાંતો : લુપ્ત થતી જાતિ ગુજરાતમાંથી નામશેષ થતા બચી જશે તેવી આશા જીવંત રાખનારી ઘટના
અગ્ર ગુજરાત, કચ્છ
કચ્છમાં ઘોરાડનું બીજું બચ્ચું જન્મ્યું છે. કેન્દ્રના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે 9 જુલાઈએ જાહેરાત કરી કે કચ્છમાં આ જ પદ્ધતિથી એક મહિના કરતાં ઓછા સમયમાં ઘોરાડના બીજા બચ્ચાનો જન્મ થયો છે. તેથી વસ્તી વધીને ચાર થઈ છે. દુનિયામાંથી વિલુપ્ત થઈ જવાનો જેનો ભય ઝળુંબી રહ્યો છે તેવા ઘોરાડ પક્ષી ગુજરાતમાંથી નામશેષ થતાં બચી જશે તેવી આશા આપનારી આ ઘટના આ પહેલાં આ વર્ષે માર્ચ મહિનામાં બની હતી.
26 માર્ચે નલિયામાં ઘોરાડનું એક બચ્ચું જન્મ્યું હતું. ગુજરાત સરકારે ત્યારે જણાવ્યું હતું કે આશરે એક દાયકાના સમય બાદ ગુજરાતમાં ઘોરાડના કોઈ બચ્ચાનો જન્મ થયો હતો. પરંતુ જન્મના એકાદ મહિનાની અંદર જ બચ્ચું ગુમ થઈ ગયું અને 29 એપ્રિલના રોજ સરકારે તેની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે તે નાનું બચ્ચું કોઈ શિકારી પ્રાણીનો કોળિયો બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.
એ બચ્ચું જે ફલિત ઈંડામાંથી જન્મ્યું હતું તેને રાજસ્થાનના જેસલમેર જિલ્લાના સેમ ગામમાં સ્થાપવામાં આવેલ ઘોરાડ સંવર્ધનકેન્દ્રમાંથી 22 માર્ચના રોજ લાવવામાં આવ્યું હતું. આ રીતે અફલિત ઈંડાની જગ્યાએ અન્ય જગ્યાએથી લવાયેલ ફલિત ઈંડું મૂકી તેમાંથી જન્મેલ બચ્ચાને અફલિત ઈંડું મૂકનાર માદા ઘોરાડ પક્ષી પોતાનું જ બચ્ચું સમજી ઉછેર કરે અને તે રીતે વસ્તી વધારવાની પદ્ધતિને જમ્પ સ્ટાર્ટ મૅથડ એટલે કે વસ્તીને કુદકાભેર વધારવાની પદ્ધતિ કહેવાય છે.
ગુજરાતમાં આ પક્ષીઓ હાલ માત્ર કચ્છ જિલ્લાના અબડાસા અને માંડવી તાલુકાઓમાં જોવા મળે છે. અબડાસાના નલિયા નજીક આવેલ ઘાસનાં મેદાનોમાં હાલ આ પક્ષીઓની વસ્તી માત્ર માદા જ હોવાનું મનાય છે. માર્ચમાં જન્મેલ બચ્ચું ઊડવાનું શીખે તે પહેલાં જ મૃત્યુ પામતાં જમ્પ સ્ટાર્ટ મૅથડનો પ્રથમ રાઉન્ડ અસફળ રહ્યો હતો.
જાહેરાત કરતા ભુપેન્દ્ર યાદવે જણાવ્યું કે આ બીજા બચ્ચાનો જન્મ 21 મેના રોજ થયો હતો. ભૂપેન્દ્ર યાદવે તેમની પોસ્ટમાં લખ્યું, “એ જાણીને આનંદ થાય છે કે ગુજરાતના નલિયામાં ‘જમ્પ સ્ટાર્ટ’ નો બીજો પ્રયોગ સફળ રહ્યો છે અને જે બચ્ચું 21 મેના રોજ જન્મ્યું હતું તેણે જીવનમાં અતિ મહત્ત્વનો ગણાતો (પ્રથમ) 40 દિવસ જીવિત રહેવાનો તબક્કો પાર કરી લીધો છે.”
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઘોરાડના બીજા બચ્ચાના જન્મને એક આશાનું કિરણ ગણાવ્યું.


