સરકારી અધિકારીઓના લોકેશન ટ્રેસ કરવાનું શંકાસ્પદ મોટુ કૌભાંડ ઝડપાયું
વોટસએપ ગ્રુપ બનાવી લોકેશન શેર કરતા ૮૫ શખ્સોની અટકાયત : છોટાઉદેપુરમાં ઝડપાયેલ રેકેટ રાજય વ્યાપી હોવાની શંકા
અગ્ર ગુજરાત, છોટા ઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં સરકારી અધિકારીઓ અને સરકારી વાહનોની હિલચાલ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરવાની પ્રવૃત્તિ સામે જિલ્લા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. તપાસ દરમિયાન આવા વોટ્સએપ ગ્રુપ સાથે સંકળાયેલા 85 શંકાસ્પદ લોકોને ઓળખી તેમને જિલ્લા પોલીસ અધિક્ષક (SP) કચેરીએ હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખે એસઓજી અને અન્ય પોલીસ અધિકારીઓની હાજરીમાં તમામ લોકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે સરકારી અધિકારીઓ, પોલીસ, આરટીઓ, ખાણ-ખનીજ વિભાગ સહિત અન્ય સરકારી વિભાગોના વાહનોની હિલચાલ અંગે માહિતી એકત્ર કરીને વોટ્સએપ અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવી કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ છે.
પોલીસને મળેલી માહિતીના આધારે છોટાઉદેપુર (Chhota Udepur), પાવી જેતપુર, બોડેલી અને સંખેડા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સરકારી અધિકારીઓના લોકેશન શેર કરતી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુલ 85 શંકાસ્પદ લોકોની ઓળખ કરવામાં આવી હતી.
SP ઇમ્તિયાઝ શેખે જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓના કારણે સરકારી કામગીરી અને કાયદાની અમલવારીમાં અવરોધ ઊભો થાય છે. તેથી ભવિષ્યમાં જો કોઈ વ્યક્તિ આવી ગેરકાયદેસર હરકતમાં સંડોવાયેલી મળશે તો તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા પોલીસે જણાવ્યું છે કે સમગ્ર જિલ્લામાં સોશિયલ મીડિયા (Social Media)પર સતત નજર રાખવામાં આવી રહી છે. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગળ પણ સઘન કાર્યવાહી ચાલુ રહેશે.
લોકોને પોલીસની અપીલ
પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ સરકારી અધિકારીઓની હિલચાલ અંગે ગેરકાયદેસર રીતે માહિતી એકત્ર કરી સોશિયલ મીડિયાપર શેર કરતો હોય અથવા આવા ગ્રુપ ચલાવતો હોય તો તેની જાણ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા જિલ્લા પોલીસને કરવી. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જનસહયોગ મહત્વપૂર્ણ હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.


