પ્રેમલગ્નમાં તિરાડ : વીડિયો કોલનો જવાબ ન આપતા પૂછપરછ કરતાં પત્ની પર તૂટી પડ્યો પતિ
‘તારે જીવવું છે કે નહીં?’ કહી જાનથી મારી નાખવાની ધમકી : નિરાધાર બનેલી પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
અગ્ર ગુજરાત, રાજકોટ
લોધિકા તાલુકાના રાવકી ગામે પ્રેમસંબંધ બાદ લગ્ન કરનાર દંપતીના દાંપત્યજીવનમાં વિખવાદ સર્જાતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. વીડિયો કોલનો જવાબ કેમ ન આપ્યો તે અંગે પત્નીએ સવાલ કરતાં પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને મારઝૂડ કરી ધમકી આપ્યાનો આક્ષેપ સામે આવ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ રાવકી ગામે રહેતી 40 વર્ષીય હર્ષાબેન ગોડેશ્વરે પોતાના પતિ મિલનભાઈ ગોડેશ્વર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. હર્ષાબેન મજૂરી કામ કરીને પરિવારને આર્થિક સહારો આપે છે, જ્યારે પતિ ડ્રાઇવિંગનું કામ કરે છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રાવકી વિસ્તારમાં મજૂરી કામ દરમિયાન બંને વચ્ચે પરિચય થયો હતો અને બાદમાં પ્રેમસંબંધ બંધાતા તેમણે જામકા ગ્રામ પંચાયત ખાતે લગ્ન નોંધણી કરાવી દાંપત્યજીવન શરૂ કર્યું હતું. શરૂઆતમાં સંબંધો સામાન્ય રહ્યા હતા, પરંતુ છેલ્લા એક વર્ષથી પતિ નજીવી બાબતોમાં ઝઘડા કરતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
તાજેતરમાં બંને રાજકોટના આંબેડકરનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. દરમિયાન ગત 7 જૂને પતિ કામે જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો અને સતત ત્રણ દિવસ સુધી ઘરે પરત ફર્યો નહોતો. પત્નીએ ફોન કરીને પૂછપરછ કરતાં બહારગામ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ 10 જૂનની મોડી રાત્રે પતિ એક મિત્ર સાથે ઘરે આવ્યો હતો.
બીજા દિવસે સવારે પત્નીએ પતિને ત્રણ દિવસ ક્યાં હતા તેમજ વીડિયો કોલનો જવાબ કેમ ન આપ્યો તે અંગે પૂછતાં તે ઉશ્કેરાઈ ગયો હતો. ‘તારે શું કામ છે?’ કહી પતિએ ઢીકાપાટુનો માર મારી ઝઘડો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાથી ભયભીત બનેલી હર્ષાબેન કામ પરથી સીધી રાવકી ખાતે ચાલી ગઈ હતી.
ફરિયાદ અનુસાર બીજા દિવસે જ્યારે તે આંબેડકરનગર સ્થિત રહેઠાણે પરત ફરી ત્યારે પતિ ઘરેથી તમામ જરૂરી દસ્તાવેજો લઈ ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ પણ પતિનો કોઈ સંપર્ક થયો નહોતો. ગત 16 જૂને મજૂરીના રૂપિયા લેવા રાજકોટ ગયેલી હર્ષાબેન નવલનગર ખાતે સગાના ઘરે રોકાઈ હતી ત્યારે પતિ ત્યાં પહોંચી ગયો હતો અને ‘તારે જીવવું છે કે નહીં?’ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે કંટાળી ગયેલી પરિણીતાએ પોલીસનો આશરો લીધો હતો. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


