યુધ્ધની અસરથી બંધ થયેલી સેવા શરૂ
LPG સિલિન્ડરની ગામડાઓમાં ફરીથી હોમ ડિલીવરીનો પ્રારંભ
રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી બુકિંગ કરવાથી મળશે બાટલો : સરકારના નિર્ણયથી ગ્રાહકોને રાહત મળી
અગ્ર ગુજરાત, રાજકોટ
LPG બુકિંગ બાબતે એક સારા સમાચાર આવ્યા છે. ફરી એકવાર ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા ગામડાઓમાં હોમ ડિલિવરી શરૂ કરવામાં આવી છે. માર્ચની શરૂઆતમાં યુદ્ધ શરૂ થયા બાદ ગ્રામીણ સ્તરે ઘણી વખત સિલિન્ડર માટે ગ્રાહકોને ડિસ્ટ્રીબ્યુટર્સ પાસે જવું પડતું હતું.
જો તમે ઈચ્છો છો કે, તમને ઘરે બેઠા LPG સિલિન્ડર મળી જાય, તો તેના માટે તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી ગેસ બુકિંગ કરાવવું પડશે. ત્યારબાદ એક OTP આવશે. આ OTPના આધારે જ LPG સિલિન્ડર મળશે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એલપીજી સિલિન્ડરનું 99 ટકા બુકિંગ OTP આધારિત થઈ રહ્યું છે.
સોમવારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, કોઈપણ ડિસ્ટ્રીબ્યુટર પાસે સિલિન્ડરની અછત હોવાની કોઈ માહિતી મળી નથી. પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે.
14 એપ્રિલના રોજ LPGથી ભરેલું વધુ એક ટેન્કર ગુજરાતના કંડલા પહોંચ્યું. આ LPG ટેન્કર 11 એપ્રિલે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માંથી પસાર થયું હતું. નોંધનીય છે કે, હાલના સમયમાં ભારત પોતાની જરૂરિયાતના 80 થી 85 ટકા જેટલો LPG મિડલ ઈસ્ટમાંથી મંગાવે છે. યુદ્ધના કારણે આ સપ્લાય ચેઈન ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી અને ભારતના ઘણા ટેન્કરો રસ્તામાં જ ફસાઈ ગયા હતા. પરંતુ ભારતે એક પછી એક અનેક LPG ટેન્કર દેશમાં લાવવામાં સફળતા મેળવી છે.
1 એપ્રિલે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. પરંતુ માર્ચ મહિનામાં ઘરેલું LPG સિલિન્ડરના ભાવ પણ વધારવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 5 કિલોગ્રામના FTL ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ 51 રૂપિયાનો વધારો થયો હતો.


