ગોંડલ તાલુકામાં ખનીજ ચોરી પર પોલીસની લાલ આંખ
મોવીયા ગામ પાસે ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઈ
અગ્ર ગુજરાત, ગોંડલ
સરકારી અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા ખનીજ માફિયાઓ પર ગોંડલ તાલુકા પોલીસે સકંજો કસ્યો છે. રાજકોટ ગ્રામ્ય કંટ્રોલ રૂમ મારફતે મળેલી માહિતીના આધારે, ગોંડલ તાલુકા પોલીસ સ્ટાફે મોવીયા ગામથી બાંદરા ગામ તરફ જવાના રસ્તે આવેલા ‘ઊંડા ડોરા’ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
આ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે ખનીજ અને માટીની ચોરી કરતા ઇસમો ઝડપાયા છે. પોલીસે ઘટનાસ્થળેથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાતા એક જેસીબી (JCB) મશીન અને બે ટ્રેક્ટર મળીને કુલ ત્રણ વાહનોને મુદ્દામાલ તરીકે જપ્ત કર્યા છે. હાલમાં આ તમામ વાહનોને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે.
પોલીસે વાહન માલિકોને આર.ટી.ઓ. (RTO) મેમો તેમજ ખાણ-ખનીજ ખાતાનો મેમો આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કસૂરવારો પાસેથી યોગ્ય દંડ વસૂલ કરવા માટે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની કચેરીને પણ જાણ કરી દેવામાં આવી છે.
આ કડક કાર્યવાહી રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ કરવામાં આવી હતી. ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ પ્રો. એ.એસ.પી. અને થાણા અધિકારી પ્રખર કુમાર તેમજ તેમની ટીમ જેમાં PSI આર.જે. જાડેજા, ASI રવીરાજસિંહ સરવૈયા અને અન્ય પોલીસ કર્મીઓ જોડાયા હતા તેમણે આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે.
પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજ ખનન કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ મામલે આગળની તપાસ અને દંડ વસૂલાતની કાર્યવાહી ખાણ-ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવશે.


