ધારાસભ્ય ઉદયભાઈ કાનગડની પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ તરીકેની વરણી આવકાર
શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલિત વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાએ શુભેચ્છા પાઠવી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત વિધાનસભાની પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ તરીકે રાજકોટ 68(પૂર્વ)ના લોકપ્રિય ધારાસભ્ય ઉદયભાઈ કાનગડની વરણી થવા બદલ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલિત વડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજા અને રાજકોટ શહેર ભાજપ દ્વારા શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના *“સશક્ત ગામ – સમૃદ્ધ ભારત”*ના વિઝનને સાકાર કરવા માટે પંચાયતી રાજ વ્યવસ્થા અત્યંત મહત્વપૂર્ણ કડી છે. ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને વધુ સશક્ત બનાવવા, પારદર્શક વહીવટ અને પ્રજાલક્ષી યોજનાઓને અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવામાં પંચાયતોની ભૂમિકા કેન્દ્રસ્થાને છે.
પંચાયતી રાજ સમિતિ વિધાનસભાની એક મહત્વપૂર્ણ સમિતિ છે, જે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કાર્ય, વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ, નાણાકીય વ્યવસ્થાપન તથા જનહિતના પ્રશ્નો તેમજ સરકારી યોજનાઓ નો સંપૂર્ણ લાભ ગ્રામ્ય વિસ્તાર માં મળે તેની સમીક્ષા કરીને સરકારને માર્ગદર્શક સૂચનો આપે છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે ઉદયભાઈ કાનગડના લાંબા જાહેરજીવનનો અનુભવ, વિકાસપ્રતિબદ્ધ અભિગમ અને ગ્રામ્ય પ્રશ્નોની ઊંડી સમજ રાજ્યભરની પંચાયતી સંસ્થાઓને વધુ કાર્યક્ષમ અને જવાબદાર બનાવવામાં ઉપયોગી સાબિત થશે.
આ તકે માધવ દવે, વલ્લભભાઈ દુધાત્રા, લલિત વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઉદયભાઈ કાનગડના નેતૃત્વમાં પંચાયતી રાજ સમિતિ ગામડાંઓના વિકાસ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના સશક્તિકરણ અને જનકલ્યાણલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે નવી ઊંચાઈઓ હાંસલ કરશે. તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિકાસને વધુ ગતિ મળશે અને “વિકસિત ગુજરાત – વિકસિત ભારત”ના સંકલ્પને વધુ મજબૂતી મળશે.
આ તકે પ્રદેશ મહામંત્રી અને રાજકોટ શહેર સંગઠન પ્રભારી અનિરૂધ્ધભાઈ દવે, લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, વિધાનસભા-૭૦ ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પ્રદેશ યુવા મોરચા મહામંત્રી દેવાંગીબેન મૈયડ, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી સહિત રાજકોટ શહેર ભાજપ હોદ્દેદારોએ ઉદયભાઈ કાનગડને નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવી તેમની સફળ, યશસ્વી અને લોકકલ્યાણકારી કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.


