જેતપુરમાં પૈસાની ઉઘરાણી બાબતે હોટલમાં તોડફોડ અને હોબાળો
બે શખ્સો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઇ
અગ્ર ગુજરાત, જેતપુર
શહેરના એમ.જી. રોડ પર આવેલી એક હોટલમાં પૈસાની ઉઘરાણી મામલે બે શખ્સોએ હંગામો મચાવી, તોડફોડ કરી આશરે રૂ. ૨૨,૦૦૦/- નું નુકસાન કર્યાની ફરિયાદ જેતપુર સીટી પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આ મામલે સાવરકુંડલા અને મંડલીકપુરના બે શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જેતપુરના ધોરાજી રોડ પર રહેતા અને એમ.જી. રોડ પર પોસ્ટ ઓફિસ પાછળ ‘રજવાડુ હોટલ’ ચલાવતા સલમાબેન ઉર્ફે શીલાબેન હર્ષભાઇ ગાલોરીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ અને તેમના પતિ હર્ષભાઈ જેતપુર પોસ્ટ ઓફિસની પાછળ ‘રજવાડું હોટલ’ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારના રોજ સાંજે સાડા છ વાગ્યાના અરસામાં બની હતી. ફરિયાદીના પતિ હર્ષભાઇ સાથે સાવરકુંડલાના જયદેવભાઇ દેવમુરારીને પૈસાની લેતીદેતી ચાલતી હતી. આ બાબતની ઉઘરાણી કરવા માટે જયદેવભાઇ દેવમુરારી અને મંડલીકપુરના મયુરભાઇ લસ્કરી ઓટો રિક્ષા લઈને હોટલે આવ્યા હતા.
આ બંને શખ્સોએ હોટલ પર આવી “હર્ષ ક્યાં છે? અમારા પૈસા કેમ આપતો નથી?” તેમ કહી રાડા-રાડી શરૂ કરી હતી. ફરિયાદી મહિલા સમજાવવા જતાં બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને હોટલમાં રહેલા ટેબલ-ખુરશીઓ રોડ પર ફેંકી દીધા હતા. એટલું જ નહીં, હોટલના કાઉન્ટરને જોરદાર ધક્કો મારતા કાઉન્ટર રોડ પર પડી ગયું હતું અને તેનો કાચ તૂટી ગયો હતો. આ તોડફોડને કારણે આશરે રૂ. 22,000નું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ઘટના બાદ બંને શખ્સો જાહેર રોડ પર ઉભા રહી બિભત્સ ગાળો આપી આસપાસના લોકો ભેગા થઈ જતા બને આરોપી પીળા અને લીલા કલરની હૂડવાળી રિક્ષા લઈને નાસી છૂટ્યા હતા.
જેતપુર સીટી પોલીસે સલમાબેનની ફરિયાદના આધારે આરોપી જયદેવભાઇ દેવમુરારી અને મયુરભાઇ લસ્કરી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) ની કલમ 296(b), 324(4), અને 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


