મુથુટ ફાઈનાન્સ દ્વારા વેસ્ટ ઝોનની ૨૪ આંગણવાડીને રૂ.૧૩,૦૦૦ની રમકડાંની કીટનું વિતરણ કરાયું
આંગણવાડી બહેનો દ્વારા સ્વ.એમ.જે.જયોર્જ મુથુટને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના અંતર્ગત ICDS અર્બન શાખાના વેસ્ટ ઝોન આંબેડકરનગર સેજામાં સ્વ. એમ. જી. જ્યોર્જ મુથુટની સ્મૃતિમાં CSR સેવા કાર્ય કરવામાં આવેલ. તે અંતર્ગત મુથુટ ફાઇનાન્સ કંપની દ્વારા CSR એક્ટિવિટી અંતર્ગત એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આંબેડકરનગરની 24 આંગણવાડીઓના બાળકો માટે રૂ.13,000 ની કિંમતની રમકડાંની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વોર્ડ નં.12ના પૂર્વ મેયર અને કોર્પોરેટર પ્રદીપભાઈ ડવ, પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ, બાળ વિકાસ અધિકારી પૂજાબેન જોષી, મુખ્ય સેવિકા પરમાર ભવ્યતાબેન તથા મુથુટ ફાઈનાન્સના ઝોનલ મેનેજર તથા અન્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આંબેડકરનગર સેજોની તમામ 24 આંગણવાડીની કાર્યકર બહેનોને રમકડાંની કીટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે કોર્પોરેટર પ્રદીપભાઈ ડવએ જણાવ્યું હતું કે, “બાળકો એ દેશનું ભવિષ્ય છે, મુથુટ ફાઈનાન્સ જેવી પ્રતિષ્ઠિત કંપની જ્યારે આંગણવાડીના બાળકોના વિકાસ માટે આગળ આવે છે ત્યારે સમાજમાં સકારાત્મક સંદેશ જાય છે. આ રમકડાંથી બાળકોનો સર્વાંગી વિકાસ થશે અને તેઓ આંગણવાડી તરફ આકર્ષાશે.”
પોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈએ મુથુટ ફાઈનાન્સના આ સેવા કાર્યને બિરદાવતા જણાવ્યું કે, “CSR અંતર્ગત થતા આવા કાર્યો સરકારની પોષણ અભિયાન’ અને ‘પ્રારંભિક બાળ શિક્ષણ’ ની કામગીરીને ખૂબ મજબૂત બનાવે છે.” મુખ્યસેવિકા પરમાર ભવ્યતાબેને સમગ્ર આંગણવાડી પરિવાર વતી મુથુટ ફાઈનાન્સનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, “આ રમકડાં બાળકો માટે માત્ર રમવાની વસ્તુ નથી. પરંતુ તેમના શીખવાનું માધ્યમ છે. હવે અમારા કેન્દ્રમાં બાળકો રમતાં રમતાં ભણશે.
કાર્યક્રમના અંતે સૌ ઉપસ્થિત મહાનુભાવો અને આંગણવાડી બહેનોએ સ્વ. એમ. જી. જ્યોર્જ મુશૂટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


