રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજકોટ જિલ્લાની નવી ટીમની રચના
રાજકોટ જિલ્લા સાધારણ સભા અને જિલ્લા કારોબારી બેઠક સફળતાપૂર્વક યોજાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
સેવાભારતી કાર્યાલય, રાજકોટ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટ દ્વારા સાધારણ સભા તથા જિલ્લા કારોબારી બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ, પ્રાથમિક સંવર્ગના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, સૌરાષ્ટ્ર સંભાગ-1ના સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલ, મીડિયામાંથી રવિભાઈ પાંડોર, માધ્યમિક વિભાગમાં પ્રાંતમાંથી ગીતાબેન જલુ, વિભાગ મહિલા સંગઠન મંત્રી ડૉ.લાભુબેન કારાવદરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકની શરૂઆત જિલ્લા મંત્રી સાગરભાઈ પોપટના સંચાલનમાં મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા મહિલા મંત્રી હેતલબેન ઉપાધ્યાય દ્વારા સરસ્વતી વંદનાથી આધ્યાત્મિક માહોલ વચ્ચે બેઠકનો શુભારંભ થયો. રાજકોટ જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ હુંબલ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, પ્રાંત પ્રતિનિધિઓ અને શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત સાથે છેલ્લા 13 માસ દરમિયાન થયેલ સંગઠનાત્મક કાર્યનું વિસ્તૃત પ્રતિબિંબ રજૂ કરવામાં આવ્યું હતું.
આ અવસરે રાજકોટ તાલુકાના પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિમલભાઈ ઉધાસને પ્રાંત ટીમના હસ્તે વિધિવત રીતે સંગઠનમાં આવકારવામાં આવ્યા હતા. ગત બેઠકના પ્રોસીડિંગનું વાંચન જિલ્લા મંત્રી સાગરભાઈ પોપટ દ્વારા તથા વર્ષ 2025-26 ના હિસાબો સહ સંગઠન મંત્રી ઉમેશભાઈ પેથાણી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
પ્રાંત સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણીએ પોતાના માર્ગદર્શનમાં આદર્શ કાર્યકર્તાના ગુણો, સંગઠન પ્રત્યેની જવાબદારીઓ, “હમારા વિદ્યાલય – હમારા તીર્થ” જેવા પ્રેરણાદાયી વિચારો તેમજ આંતરિક સંકલન મજબૂત બનાવવાની જરૂરિયાત અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું.
સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને ત્યાર બાદ પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ દ્વારા જિલ્લા ટીમ જાહેર કરવામાં આવી હતી. પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલે પોતાના ઉદ્બોધનમાં સંગઠનની યાત્રા, સરકાર સાથે થયેલી મંત્રણાઓ, ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વધતો વ્યાપ, OPS મુદ્દે થયેલી સિદ્ધિઓ, SIR કામગીરી, એકમ કસોટી રદ, ભરતી કેલેન્ડર તથા “સંપર્ક–સંવાદ–સદસ્યતા”ના ત્રિવેણી અભિગમ જેવા અગત્યના વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ રાજકોટ જિલ્લાને સમગ્ર રાજ્યમાં આગવું સ્થાન પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસ્તાવને ઉપસ્થિત બહોળી સંખ્યામાં કારોબારી સભ્યો અને શિક્ષક મિત્રો દ્વારા ઓમકારના નાદ સાથે સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી. અંતમાં જિલ્લા સંગઠન મંત્રી રામલાલભાઈ શિંગાળાએ કલ્યાણ મંત્ર સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું. ત્યારબાદ પ્રાંત કારોબારી દ્વારા ઉપસ્થિત શિક્ષક મિત્રોની મુલાકાત લઈ તેમની સમસ્યાઓ સાંભળી, રાજ્ય સ્તરે યોગ્ય નિરાકરણ લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
આગામી ત્રણ વર્ષ માટે જિલ્લા ટીમની રચના
અધ્યક્ષ તરીકે સંજયભાઈ હુંબલ – ગોંડલ તાલુકો, મંત્રી સાગરભાઈ પોપટ – રાજકોટ તાલુકો, સંગઠન મંત્રી રામભાઈ શિંગાળા – લોધિકા તાલુકો, વરિષ્ઠ ઉપાધ્યક્ષ મનીષભાઈ માકડીયા – ઉપલેટા તાલુકો, હિરેનભાઈ વ્યાસ – પડધરી તાલુકો , કોષાધ્યક્ષ ઉમેશભાઈ પેથાણી – ગોંડલ તાલુકો, મહિલા ઉપાધ્યક્ષ કવિતાબેન પાઠક – પડધરી તાલુકો, મહિલા મંત્રી હેતલબેન ઉપાધ્યાય – પડધરી તાલુકો, મહિલા સહમંત્રી પ્રીતિબેન દાણીધારીયા – ગોંડલ તાલુકો, ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પારખીયા – ગોંડલ તાલુકો, ઝાલા અરવિંદસિંહ – રાજકોટ તાલુકો, વિમલભાઈ ઉધાસ – રાજકોટ તાલુકો, દીપકભાઈ નાગ્રેચા – પડધરી તાલુકો, હિતેશભાઈ જોટાણીયા – લોધિકા તાલુકો, સહમંત્રી આશિષભાઈ ભોલવાડ – ગોંડલ તાલુકો, નયનભાઈ વ્યાસ – રાજકોટ તાલુકો, સહ સંગઠન મંત્રી કેતનભાઈ નકુમ – ગોંડલ તાલુકો, મનીષભાઈ કાલરીયા – ગોંડલ તાલુકો, આંતરિક ઓડિટર પરેશભાઈ રામાણી – જસદણ તાલુકો, પ્રચારમંત્રી ઘનશ્યામભાઈ બાલધા – જામ કંડોરણા તાલુકો, કાર્યાલય મંત્રી જનકભાઈ સાંડપા, સહ કાર્યાલય મંત્રી: ખેંગારભાઈ સોસા – રાજકોટ તાલુકો, સહપ્રચાર મંત્રી ડાભી મયુરભાઈ – જામ કંડોરણા તાલુકોની વરણી કરવામાં આવી છે.


