રામનાથ મહાદેવ મંદિર નજીક તબક્કા વાઇઝ ૧૧ કિલોમીટરનું થશે શૃધ્ધિકરણ
સાબરમતી, અડાલજ વાવ અને અંબાજી તળાવના શૃધ્ધિકરણનું કામ કરનાર એજન્સી કામગીરી સોંપવા મનપાની તૈયારીઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટનાં લાખો શ્રદ્ધાળુઓ માટે પરમ આસ્થાનું કેન્દ્ર સમાન રામનાથ મહાદેવ મંદિર આસપાસની આજી નદીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ જેવો જ સુંદર અને સ્વચ્છ લુક આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી શુદ્ધિકરણનો પાયલોટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવનાર છે.
આ માટે અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ, અડાલજની વાવ અને અંબાજી સ્થિત તળાવમાં શુદ્ધિકરણની સફળ કામગીરી કરનાર નિષ્ણાત એજન્સી દ્વારા રજૂ કરાયેલા પ્રેઝન્ટેશન બાદ હાલ પ્રાયોગિક ધોરણે હાથ ધરાયેલી કામગીરીમાં 30 ટકાથી વધુ સફળતા મળી છે.
મેયર ડો. નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારો ટૂંક સમયમાં સ્થળ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કરશે અને આ પ્રયોગ સફળ રહેશે તો 11.50 કિલોમીટરની આજી નદીના શુદ્ધિકરણ માટે અલગ અલગ ફેઝ વાઈઝ યોજના અમલમાં મૂકવામાં આવશે.
મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું કે, શહેરની આસ્થાના કેન્દ્ર રામનાથ મહાદેવને ગંદકીમુક્ત કરવા અને આજી નદીમાં દુર્ગંધ તેમજ ગંદકી ફેલાવતા બેક્ટેરિયાનો નાશ કરવા ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તાજેતરમાં 15 ઓગસ્ટે અટલ સરોવર ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં રામનાથ દાદાના પરિસરને ગંદકીમુક્ત રાખવાના અભિયાનને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારથી જ આ યોજનાને ઝડપથી આગળ ધપાવવાની જાહેરાત કરવામાં આવી છે.
આજી નદીમાં બારેમાસ શુદ્ધ પાણી ભરાયેલું રહે તે માટે નદીની બંને બાજુ ગંદા પાણીના નિકાલ માટે અલગથી ડક કેનાલ પાઈપલાઈન નાખવામાં આવશે. આ સિવાય જુદી જુદી જગ્યાએ મીની સુએઝ ફિલ્ટર પ્લાન્ટ નાખીને ગંદુ પાણી મુખ્ય ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવશે. જ્યાં પાણી શુદ્ધ કરીને તેને પીવા સિવાયના વપરાશ માટે ઉપયોગમાં લેવાશે. શહેરમાંથી નીકળતા 30 જેટલા મોટા વોંકળાના આઉટલેટ આજી નદીમાં મળતા હોવાથી નદી સતત ગંદી રહે છે. એજન્સીના દાવો મુજબ ગમે તેટલું ગંદુ પાણી નદીમાં આવશે તો પણ ટેકનિકલ પદ્ધતિથી શુદ્ધિકરણ થઈ જશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આજી રિવરફ્રન્ટ યોજના માટે અગાઉ એચપીસી કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા તૈયાર કરાયેલી હાઈડ્રોલિક ડિઝાઈનનો પૂના સ્થિત સરકારી એજન્સી સીડબલ્યુપીઆરએસના તજજ્ઞોએ અભ્યાસ પણ કર્યો હતો. હાલ પ્રાયોગિક ધોરણે હાથ ધરાયેલી કામગીરીમાં 30 ટકાથી વધુ સફળતા મળી છે. આગામી સમયમાં જો આ પ્રોજેકટ સંપૂર્ણપણે સફળ થશે તો જ તબક્કાવાર આજીનદીમાં 11.5 કિલોમીટર વિસ્તારમાં આ મુજબ સફાઈ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા દાયકાઓથી આજીનદીની સફાઈનાં અયોજનો કાગળ ઉપર જ રહ્યા છે. ત્યારે આ યોજના કેટલી સફળ રહેશે તે તો આવનારો સમય જ બતાવશે.


