આધ્યાત્મિકતા જ સનાતન સંસ્કૃતિનો સાચો પ્રાણ
“માત્ર ધર્મસત્તા જ વિશ્વ કલ્યાણકારી અને વિશ્વગુરુ બની શકે” : રાજયોગીની વીણાબેન
બ્રહ્માકુમારીઝ દ્વારા ‘દિવ્ય સંત સંમેલન’ આધ્યાત્મિક માહોલમાં સંપન્ન: ૩૦૦થી વધુ પાવન સંતો-મહંતોની દિવ્ય ઉપસ્થિતિમાં ગુંજ્યો સનાતન સંસ્કૃતિનો શંખનાદ: બ્રહ્માકુમારીઝના સમાજમાં આધ્યાત્મિક ચેતનાનો નવો સંચાર અને નશામુક્તિ અભિયાને પ્રાણ ફૂંકયા
અગ્ર ગુજરાત, રાજકોટ
બ્રહ્માકુમારીઝ રાજકોટ દ્વારા શનિવારે એક અભૂતપૂર્વ અને દિવ્ય ‘સંત સંમેલન’નું ભવ્ય આયોજન ભાવનગર હાઈવે, ગઢકા રોડ સ્થિત રીટ્રીટ સેન્ટર ‘હેપ્પી વિલેજ’ ખાતે કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે મુખ્ય અતિથિ સંતગણ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી પધારેલા આશરે ૩૦૦ જેટલા અન્ય પૂજ્ય સંતો-મહંતોએ પોતાની ગરિમામય હાજરી નોંધાવીને સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક દિવ્યતાથી ભરી દીધું હતું. સંસ્થાના ગૌરવશાળી નવદશકોત્સવ (૯૦ વર્ષ) નિમિત્તે યોજાયેલા આ વિરાટ કાર્યક્રમની મુખ્ય થીમ ‘આધ્યાત્મિકતા દ્વારા સનાતન સંસ્કૃતિની રક્ષા’ રાખવામાં આવી હતી.
સમણ શ્રુતપ્રજ્ઞજી (પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન) ના સનાતન રક્ષાના ૪ સૂત્રો: પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશનના પ્રણેતા સમણ શ્રુતપ્રજ્ઞજી એ સનાતન સંસ્કૃતિની રક્ષા અર્થે ખૂબ જ માર્મિક અને મહત્વના ૪ સૂત્રો આપ્યા હતા, જેને ઉપસ્થિત જનમેદનીએ હૃદયપૂર્વક સ્વીકાર્યા હતા. તેમણે સમગ્ર દિવસમાં ઉપસ્થિત સૌ ભાવિકોને ૨૦ મિનિટ સુધી ઈશ્વર અનુસંધાન (ધ્યાન) કરવા અપીલ કરી હતી. આ સાથે તેમણે સંસ્કૃતિ રક્ષા માટે સેવાભાવ, એકતા અને ધર્મસત્તા સર્વોપરી હોવાનો દિવ્ય સંદેશ આપ્યો હતો.
મુખ્ય વક્તા રાજયોગિની બી. કે. વીણાબેનનું પ્રેરણાદાયી પ્રવચન: ‘ધર્મસત્તા જ વિશ્વગુરુ બની શકે’: કર્ણાટકથી પધારેલા મુખ્ય વક્તા રાજયોગિની બી. કે. વીણાબેને વર્તમાન સમયની વિષમ પરિસ્થિતિઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, “આજનો વિજ્ઞાન વિનાશકારી બની રહ્યો છે. તેથી જ વર્તમાન સમયમાં ધર્મસત્તાને વધુ શક્તિશાળી બનાવવી અનિવાર્ય છે. માત્ર ધર્મસત્તા જ આ વિશ્વને સાચી દિશા આપી શકે છે અને વિશ્વગુરુ બની શકે છે.” તેમણે ઇતિહાસના મહાન શાસક એલેક્ઝેન્ડર ધ ગ્રેટ (સિકંદર) નું સચોટ ઉદાહરણ આપીને ધર્મસત્તા અને આધ્યાત્મિક વૈભવના મહત્વને સમજાવ્યું હતું કે સંસાર જીતનાર સિકંદર પણ અંતે ખાલી હાથે ગયો હતો. વધુમાં તેમણે પ્રેરણા આપતા કહ્યું કે – ઈશ્વરે મનમનાભવ થવા કહ્યું છે, જેનો અર્થ છે – ઈશ્વરે આપણને તન, ધન કે જનમાં નહીં, કિંતુ મન (આત્મા) માં સ્મરણ કરવા અને જોડાઈ રહેવા આહવાન કર્યું છે. વિજ્ઞાન વિનાશકારી છે, રાજસત્તા કે વિજ્ઞાન સત્તા ક્યારેય સ્થાયી સુખ આપી શકતી નથી; માત્ર ધર્મસત્તા જ વિશ્વ કલ્યાણકારી સાબિત થઈ શકે છે.
કાર્યક્રમ દરમિયાન ગૌ સેવા આયોગના પ્રમુખ અને રાજકીય અગ્રણી વલ્લભભાઈ કથિરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની વચ્ચે-વચ્ચે સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિઓ થતી રહી હતી, જેણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કુમારી વિહા અને કુમારી પવિત્રાએ બી. કે. દામિનીબેનના માર્ગદર્શનમાં ‘શિવ નાચે તો’ ગીત પર સુંદર નૃત્ય પ્રસ્તુત કરી સૌને આધ્યાત્મિક રાજયોગના અલૌકિક દર્શન કરાવ્યા હતા.
બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના ડાયરેક્ટર બી.કે.ભારતીદીદીજી, મુખ્ય વક્તા બી.કે.વીણાબેન, અયોધ્યાથી પધારેલા આશુતોષ મહારાજજી તેમજ પીસ ઓફ માઇન્ડના સમણ શ્રુતપ્રજ્ઞજી સહિત અનેક અગ્રણી સંતો બિરાજમાન રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સૌ સંતો અને ભાવિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતી આભારવિધિ બી. કે. કશ્યપભાઈ ગઢિયા દ્વારા કરવામાં આવી હતી.
વિશેષ આમંત્રિત મહેમાનોમાં ડૉ. રવિદર્શનજી મહારાજ (ભુવનેશ્વરી શક્તિપીઠ, ગોંડલ) સ્વામી ગૌરીકાંતાનંદજી મહારાજ (રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ) સ્વામી આનંદ સ્વરૂપજી (સ્વામિનારાયણ મંદિર, ગોંડલ) લાલજી બાપુ (પ્રેરણાધામ આશ્રમ, જૂનાગઢ) સમણ શ્રુતપ્રજ્ઞ જી (પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન) મહંત સ્વામી અખંડ બ્રહ્માનંદજી (રાજરાજેશ્વરી આશ્રમ, નર્મદા) સંત મસ્તરામ બાપુ (સીતારામ અન્ન ક્ષેત્ર, શાપર) સંત અશ્વિન બાપુ (ગાદિપતિ – ગાયત્રી શક્તિપીઠ, વાંકાનેર) મહંત હરેશ પ્રગટ બાપુ (રાંદલના દડવા) કથાકાર રાજેન્દ્રભાઈ જોશી વગેરે અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ રહી.


