ગુજસીટોકનો ખૌફ ખતમ..
નાનામોવામાં ખુલ્લેઆમ ફાયરિંગ કરી હેડ કોન્સ્ટેબલના ભત્રીજાની હત્યા
બુલેટ પૂરપાટ દોડાવવાની બાબતે તકરાર બાદ પિતા-પુત્રો ઘસી આવ્યા; પહેલા હવામાં ફાયરિંગ, પછી કૃષ્ણસિંહ જાડેજાને પેટ અને માથામાં ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા, વચ્ચે પડેલા દાદાને બંદૂકનો ઘા મારી ઇજાગ્રસ્ત કર્યા; મોડી રાતથી તંગદિલી વચ્ચે પોલીસનો કાફલો ખડકાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ગુનાખોરી પર લગામ લગાવવા માટે અનેક ગુજસીટોક સહિતના કડક કાયદાકીય પગલાં લેવાયા હોવા છતાં ગુનેગારોમાં પોલીસનો ખૌફ રહ્યો નથી તેવો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નાના મવા ગામતળ વિસ્તારમાં માત્ર બુલેટ મોટરસાયકલ પૂરપાટ ઝડપે ચલાવવાની બાબતે થયેલી સામાન્ય બોલાચાલી થોડી જ મિનિટોમાં લોહિયાળ હત્યાકાંડમાં ફેરવાઈ ગઈ હતી. પિતા અને બે પુત્રોએ મળીને ક્ષત્રિય સમાજના 30 વર્ષીય કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજા પર ધડાધડ ફાયરિંગ કરી તેમની હત્યા કરી નાખી હતી. જ્યારે વચ્ચે પડેલા તેમના દાદા રહેન્દ્રસિંહ જાડેજાને બંદૂકના કુંદાથી માથામાં ઘા મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા. મૃતક કૃષ્ણસિંહ શહેર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલના ભત્રીજા હોવાનું સામે આવતાં સમગ્ર પોલીસ તંત્ર દોડતું થયું હતું. બનાવની જાણ થતાં જ ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી, એસઓજી અને તાલુકા પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બીજી તરફ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો હોસ્પિટલ અને ઘટનાસ્થળે ઉમટી પડતાં મોડી રાત સુધી તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
બનાવ અંગે નાના મવા ગામતળ શેરી નં. 4 ખાતે રહેતા કુલદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજાએ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદના આધારે રણજીત વાળા, તેના પુત્ર અભિમન્યુ વાળા અને રાજવીર વાળા સહિતના આરોપીઓ સામે હત્યા, હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, કુલદીપસિંહ રાત્રે જમ્યા બાદ વોકિંગ માટે બહાર નીકળ્યા હતા. તે દરમિયાન તેમના માસીના પુત્ર કૃષ્ણસિંહ જાડેજા ત્રણ યુવાનો સાથે બોલાચાલી કરતા જોવા મળ્યા હતા. પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ યુવાનો વારંવાર બુલેટ મોટરસાયકલ પૂરપાટ ઝડપે દોડાવતા અને જોરજોરથી અવાજ કરી સ્થાનિક લોકોને હેરાન કરતા હતા. અગાઉ પણ તેમને અનેક વખત સમજાવવામાં આવ્યા હોવા છતાં તેઓ સુધર્યા ન હતા. ગઈ રાત્રે ફરી એ જ રીતે બુલેટ દોડાવતાં કૃષ્ણસિંહે તેમને રોક્યા હતા.
આ દરમિયાન અભિમન્યુ અને રાજવીર વાળાએ ગાળાગાળી શરૂ કરી હતી. ગાળો સાંભળતાં કૃષ્ણસિંહે અભિમન્યુને તમાચો મારી દીધો હતો. ત્યારબાદ અભિમન્યુએ પોતાના ભાઈ રાજવીરને ફોન કરી બોલાવ્યો. રાજવીર એક્ટિવા પર આવી પહોંચ્યો અને તેણે પણ કૃષ્ણસિંહ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. વાત વધુ વણસતાં કૃષ્ણસિંહે રાજવીરને પણ બે-ત્રણ તમાચા મારી દીધા હતા. અપમાનનો ખાર રાખી રાજવીરે પોતાના પિતા રણજીત વાળાને ફોન કરીને સ્થળ પર બોલાવ્યા હતા.
બોલાચાલી બાદ કૃષ્ણસિંહ પોતાના ઘરે પરત ફરી ગયા હતા. થોડા સમય બાદ શેરીમાં ફરી હોબાળો થતાં તેઓ બહાર નીકળ્યા હતા. ત્યાં અભિમન્યુ, રાજવીર અને તેમના પિતા રણજીત વાળા ગાળાગાળી કરતા ઊભા હતા. આરોપીઓએ ‘અમારો બાપ આવી ગયો’ કહી ધમકીભર્યો માહોલ ઊભો કર્યો હતો.
ફરિયાદ મુજબ, રણજીત વાળાએ હાથમાં રહેલી બંદૂકમાંથી સૌપ્રથમ હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ ત્રણેય પિતા-પુત્રોએ કૃષ્ણસિંહ પર તૂટી પડી મારામારી શરૂ કરી હતી. એ દરમિયાન બંને પુત્રોએ પોતાના પિતાને ઉશ્કેરાવતા કહ્યું હતું કે, ‘પપ્પા આને મારી જ નાખો… હજી ગોળી મારો… આ જીવતો ન રહેવો જોઈએ.’ આ ઉશ્કેરણી બાદ રણજીત વાળાએ કૃષ્ણસિંહ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી પેટમાં અને બીજી માથાના ભાગે વાગતાં તેઓ લોહીલુહાણ થઈ જમીન પર ઢળી પડ્યા હતા. આ દરમિયાન વચ્ચે પડેલા દાદા રહેન્દ્રસિંહ જાડેજાના માથામાં પણ રણજીત વાળાએ બંદૂકનો કુંદો મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. અન્ય લોકોએ આરોપીઓને રોકવાનો પ્રયાસ કરતાં તેઓએ બંદૂક તાકી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અંતે સ્થાનિકોએ પ્રતિકાર કરતાં ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
લોહીલુહાણ હાલતમાં કૃષ્ણસિંહને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. રહેન્દ્રસિંહ હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. હત્યાની ઘટનાના સમાચાર વાવાઝોડાની જેમ ફેલાતા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડીસીપી રાકેશ દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી, એસઓજી અને તાલુકા પોલીસની અલગ-અલગ ટીમોએ આરોપીઓને ઝડપી લેવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. મોડી રાત્રે આરોપીઓના પરિવારજનોને પણ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળે ચાર રાઉન્ડ ફાયરિંગ થયાનું સામે આવ્યું છે. હત્યામાં વપરાયેલ હથિયાર લાયસન્સવાળું હતું કે ગેરકાયદે રાખવામાં આવ્યું હતું તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ગેરકાયદેસર હથિયારો સાથે અનેક હિસ્ટ્રીશીટરો ઝડપાયા હોવા છતાં ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના બનતાં ફરી એકવાર કાયદો-વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. મૃતક કૃષ્ણસિંહ જાડેજા પરિવારના એકના એક પુત્ર હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત પાંચ વર્ષનો પુત્ર રાજવર્ધનસિંહ અને દોઢ વર્ષની પુત્રી છે. નાની વયે જ બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
નજીવી બોલાચાલી લોહિયાળ હત્યામાં ફેરવાઈ
માત્ર બુલેટ મોટરસાયકલ પૂરપાટ ઝડપે ચલાવવાની બાબતે થયેલી બોલાચાલી થોડા જ સમયમાં જીવલેણ હુમલામાં ફેરવાઈ ગઈ. સામાન્ય તકરારનો બદલો લેવા પિતા અને બે પુત્રો હથિયાર સાથે પરત ફર્યા અને ખુલ્લેઆમ ફાયરિંગ કરીને કૃષ્ણસિંહ જાડેજાની હત્યા કરી નાખી.
‘પપ્પા… આને મારી જ નાખો’ કહી પુત્રોએ પિતાને ઉશ્કેરાવ્યો
ફરિયાદ મુજબ હુમલા દરમિયાન અભિમન્યુ અને રાજવીર સતત પોતાના પિતાને ઉશ્કેરાવતા રહ્યા હતા. તેઓ બૂમો પાડી રહ્યા હતા કે, ‘પપ્પા આને મારી જ નાખો… હજી ગોળી મારો… આ જીવતો ન રહેવો જોઈએ.’ ત્યારબાદ રણજીત વાળાએ કૃષ્ણસિંહ પર જીવલેણ ફાયરિંગ કર્યું હતું.
ક્ષત્રિય આગેવાનો ઉમટ્યા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
હત્યાના સમાચાર મળતાં જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મોડી રાત સુધી તંગદિલીનો માહોલ રહેતા ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ જાતે મોરચો સંભાળ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી, એસઓજી અને તાલુકા પોલીસની ટીમોએ આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
પરિવારના એકના એક પુત્રનું મોત, બે માસૂમ સંતાનો નિરાધાર
30 વર્ષીય કૃષ્ણસિંહ જાડેજા પરિવારના એકના એક પુત્ર હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત પાંચ વર્ષનો પુત્ર રાજવર્ધનસિંહ અને દોઢ વર્ષની પુત્રી છે. પિતાની હત્યા થતાં બંને માસૂમ સંતાનોએ નાની વયે જ પિતાની છત્રછાયા ગુમાવી છે.
ચાર રાઉન્ડ ફાયરિંગ, હથિયાર અંગે તપાસ શરૂ
પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળે ચાર રાઉન્ડ ફાયરિંગ થયાનું સામે આવ્યું છે. હત્યામાં વપરાયેલ બંદૂક લાયસન્સવાળી હતી કે ગેરકાયદે રાખવામાં આવી હતી તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ શહેરમાં ગેરકાયદેસર હથિયારોના વધતા ઉપયોગને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે.


