પાકિસ્તાન-બાંગ્લાદેશ સરહદ પર એક વર્ષમાં બનશે સ્માર્ટ બોર્ડર : અમિત શાહ
ભૂજમાં G-7 BSF સીમા ચોકીના ઉદ્ઘાટન સમયે કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેરાત : ડ્રોન, અદ્યતન રડાર, કેમેરા દ્વારા ૨૪ કલાક ચાંપતી નજર રખાશે
અગ્ર ગુજરાત, ભૂજ
ભુજ ખાતે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલી G-7 BSF સીમા ચોકીનું ઉદ્ઘાટન કરતાં અમિત શાહે સરહદ સુરક્ષા સાથે પર્યાવરણ સંરક્ષણનો મજબૂત સંદેશ આપ્યો હતો. જી-7 બોર્ડર આઉટપોસ્ટ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીમડાના રોપાનું વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સુરક્ષા દળોના અધિકારીઓ અને BSFના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સરહદ સુરક્ષા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા ગૃહમંત્રીએ BSF જવાનો સાથે ખાસ મુલાકાત પણ કરી હતી અને તેમની હિંમત-સમર્પણની પ્રશંસા પણ કરી હતી. અમિત શાહે BSF જવાનો સાથે ‘હાઈ-ટી’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમની સાથે હળવી વાતચીત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. દેશની સુરક્ષા માટે BSF જવાનોની કામગીરીને અમિત શાહે બિરદાવી હતી. સરહદ પર તૈનાત જવાનોના ઉત્સાહને વધુ પ્રોત્સાહન આપતાં તેમણે કહ્યું હતું કે, દેશની સુરક્ષા માટે BSF જવાનો દિવસ-રાત અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.
ત્યારબાદ સભાને સંબોધિત કરતા બોર્ડર સુરક્ષાને વધુ આધુનિક બનાવવાનો સંકેત આપતા અમિત શાહે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આગામી એક વર્ષની અંદર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદ પર “સ્માર્ટ બોર્ડર” સુરક્ષા સિસ્ટમ લાગુ કરવામાં આવશે. ડ્રોન, અદ્યતન રડાર અને સ્માર્ટ કેમેરાની મદદથી સરહદ પર 24 કલાક ચાંપતી નજર રાખવામાં આવશે, જેથી ઘૂસણખોરી અને દાણચોરીને પૂર્ણપણે અટકાવી શકાય.
કચ્છ પ્રવાસ દરમિયાન અમિત શાહે હરામીનાળા વિસ્તારની મુલાકાત લીધી હતી અને BSF અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક પણ કરી હતી. તેમનો આખો કાર્યક્રમ સરહદ સુરક્ષાને વધુ મજબૂત અને આધુનિક બનાવવા પર કેન્દ્રિત રહ્યો હતો.


