જોર કા ઝટકા ધીરે સે!
પાંચ દિવસમાં ફરી પેટ્રોલ-ડિઝલ મોંઘા : રોજેરોજ ‘હળવો ડોઝ’ આપવાની નીતિ?
રાજકોટમાં પેટ્રોલ 98.13 અને ડિઝલ 93.99 પહોંચ્યું : ટ્રાન્સપોર્ટેશનથી લઈ ઘરખર્ચ સુધી વધશે ભાર
અગ્ર ગુજરાત, રાજકોટ
આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા ક્રૂડ ઓઈલના ભાવોની સીધી અસર હવે દેશના સામાન્ય નાગરિકો પર દેખાવા લાગી છે. ગત સપ્તાહમાં પેટ્રોલ અને ડિઝલમાં પ્રતિ લીટર રૂ.3નો વધારો કરવામાં આવ્યા બાદ હવે માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં ફરી એક વખત ઇંધણના ભાવોમાં વધારો ઝીંકાતા જનતાની ચિંતામાં વધારો થયો છે. આ વખતે સરેરાશ 90 પૈસા જેટલો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે પરિવહન, કૃષિ, ઉદ્યોગ અને ઘરગથ્થુ ખર્ચ પર વધુ દબાણ સર્જાશે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.
રાજકોટમાં પેટ્રોલના ભાવમાં 86 પૈસાનો વધારો થતા હવે પ્રતિ લીટર ભાવ રૂ.98.13 પર પહોંચ્યો છે, જ્યારે ડિઝલમાં 93 પૈસાનો વધારો થતા તેનો ભાવ રૂ.93.99 થયો છે. બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ રૂ.98.64 અને ડિઝલ રૂ.91.58 પ્રતિ લીટર સુધી પહોંચી ગયું છે.
પેટ્રોલીયમ કંપનીઓનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં ક્રૂડના સતત વધી રહેલા ભાવોને કારણે તેઓને ભારે ખોટ સહન કરવી પડી રહી છે. ખાસ કરીને ઇરાન-મધ્યપૂર્વ વિસ્તારમાં સર્જાયેલા યુદ્ધસમાન તણાવ બાદ ક્રૂડ ઓઈલના ભાવોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે ભારતમાં ઇંધણની આયાત મોંઘી બની છે અને તેની સીધી અસર પેટ્રોલ-ડિઝલના રિટેલ ભાવો પર પડી રહી છે.
તેલ કંપનીઓના સૂત્રો મુજબ ગત સપ્તાહમાં કરવામાં આવેલા રૂ.3ના વધારા છતાં પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ.17 અને ડિઝલ પર રૂ.39 જેટલી ખોટ યથાવત હતી. કુલ દૈનિક ખોટ અંદાજે રૂ.1000 કરોડ સુધી પહોંચી ગઈ હતી, જે વધારાના પગલે ઘટીને રૂ.750 કરોડ સુધી આવી હોવાનું જણાવાયું છે. આજના નવા વધારાથી તેમાં વધુ થોડી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પરંતુ સામાન્ય ગ્રાહકો માટે સ્થિતિ વધુ કઠિન બનતી જાય છે. સતત વધતા ઇંધણના ભાવોનો સીધો પ્રભાવ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પર પડે છે અને તેની અસર અંતે રોજબરોજ વપરાતી ચીજવસ્તુઓના ભાવોમાં પણ જોવા મળે છે. ટ્રક ટ્રાન્સપોર્ટ, ખાનગી બસો, ટેક્સી, રિક્ષા, કૃષિ પંપસેટ અને નાના વેપારીઓના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. રાજકીય અને આર્થિક વર્તુળોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે સરકાર અને તેલ કંપનીઓ હવે “જોર કા ઝટકા ધીરે સે” જેવી નીતિ અપનાવી રહી છે. એકસાથે મોટો વધારો કરવાથી જનરોષ વધી શકે છે, તેથી થોડા થોડા અંતરે નાના વધારાનો માર્ગ અપનાવવામાં આવી રહ્યો હોવાની અટકળો છે. અગાઉ દૈનિક ભાવ બદલાવની જે પદ્ધતિ અમલમાં હતી તે જ મોડેલ ફરીથી અપનાવવાની તૈયારી હોવાનું પણ માનવામાં આવે છે. તેલ વેપારીઓના મતે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવો નજીકના સમયમાં સ્થિર નહીં થાય તો આગામી દિવસોમાં પણ પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો યથાવત રહી શકે છે. ખાસ કરીને મધ્યપૂર્વમાં ભૂરાજકીય તણાવ વધે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
આ વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલીયમ કંપનીઓને કોઇ વિશેષ રાહત પેકેજ અથવા સબસીડી આપવાની હાલ કોઇ યોજના નથી તેવી માહિતી પણ સામે આવી છે. આથી તેલ કંપનીઓ પોતાની ખોટ ઘટાડવા માટે ભાવવધારાનો માર્ગ જ અપનાવે તેવી શક્યતા વધુ મજબૂત બની રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઇંધણના વધતા ભાવો ફક્ત વાહનચાલકો માટે જ નહીં પરંતુ સમગ્ર અર્થતંત્ર માટે ચિંતાજનક છે. કારણ કે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાથી મોંઘવારીનો દર પણ વધી શકે છે. દૂધ, શાકભાજી, અનાજ, બાંધકામ સામગ્રી અને રોજબરોજની આવશ્યક ચીજવસ્તુઓના ભાવોમાં પણ આગામી દિવસોમાં અસર જોવા મળી શકે છે. સામાન્ય નાગરિકોમાં હવે એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આગામી દિવસોમાં પણ રોજેરોજ કે ટૂંકા અંતરે ભાવવધારાનો “હળવો ડોઝ” મળતો રહેશે? હાલની સ્થિતિ જોતા તો ઇંધણના ભાવોમાં તાત્કાલિક રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.
કેમ વધી રહ્યા છે પેટ્રોલ-ડિઝલના ભાવ?
* ઇરાન સહિત મધ્યપૂર્વમાં વધતો યુદ્ધસમાન તણાવ
* આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો
* પેટ્રોલીયમ કંપનીઓને ભારે ખોટનો દાવો
* સરકાર તરફથી સબસીડી કે રાહત પેકેજની કોઈ જાહેરાત નહીં
* દૈનિક અથવા તબક્કાવાર ભાવવધારાની નીતિ અપનાવાયાની ચર્ચા


