PG ઈજનેરી પ્રવેશ પ્રક્રિયા માટે કોલેજોમાં બીજા રાઉનડનો પ્રારંભ
તા.૨૯મી સુધી ઓનલાઈન સંમતિ આપવાની રહેશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્ય સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત ‘એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ’ દ્વારા અનુસ્નાતક ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ (બેઠક ફાળવણી) જાહેર કરી દેવામાં આવ્યું છે. આ રાઉન્ડ અંતર્ગત રાજ્યભરની સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર સંસ્થાઓમાં કુલ 1317 વિદ્યાર્થીઓને બેઠકો ઓફર કરવામાં આવી છે.
રાજ્યની વિવિધ એન્જિનિયરિંગ કોલેજોમાં કુલ 5244 બેઠકો ઉપલબ્ધ છે, જેમાંથી ACPC હસ્તકની 4312 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકો માટે કુલ 1935 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જેમાં GATE લાયકાત ધરાવતા ૧૫૪ ઉમેદવારો અને GATE વગરના 1781 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, GATE સિવાયના ઉમેદવારો માટે 27 અને 28 જૂનના રોજ PGCET-2026 પરીક્ષા યોજાઈ હતી. આ બંને પરીક્ષાઓના ગુણના આધારે કુલ 1688 વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં નિયમાનુસાર GATE ક્વોલિફાઇડ ઉમેદવારોને પ્રવેશમાં પ્રાથમિકતા આપવામાં આવી હતી.
મોક રાઉન્ડ અને પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલિંગના આધારે જાહેર થયેલા પરિણામમાં સરકારી કોલેજોમાં 749 બેઠકોમાંથી 494 બેઠકો ફાળવાઈ. અનુદાનિત/સ્વાયત્ત સંસ્થાઓમાં 429 બેઠકોમાંથી 202 બેઠકો ફાળવાઈ. ખાનગી (સ્વનિર્ભર) કોલેજોમાં 2888 બેઠકોમાંથી 621 બેઠકો ફાળવાઈ. પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેલી બેઠકો માટે બીજા રાઉન્ડમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ 27થી 29 જુલાઈ દરમિયાન ઓનલાઈન સંમતિ આપવાની રહેશે અને નવી ચોઈસ ફિલિંગ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.


