યાત્રાધામ વીરપુરમાં કાર તણાયાની ઘટનાના ૨૬ કલાક બાદ ૭૦ વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો
ટ્રાફિક ટાળવા શોર્ટકટ લેવો જીવલેણ સાબિત થયો; SDRF, ફાયર અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ૩ કિમી દૂર થોરાળા ડેમમાંથી મૃતદેહ શોધાયો
અગ્ર ગુજરાત, વીરપુર
રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર નજીક ગત ૨૪ જુલાઈએ પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ જવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં તણાઈ ગયેલા ૭૦ વર્ષીય કાર ચાલક ભીખાભાઈ ધનજીભાઈ ડોબરીયાનો મૃતદેહ ૨૬ કલાકના સઘન સર્ચ ઓપરેશન બાદ મળી આવતા દુર્ઘટનાનો કરુણ અંત આવ્યો છે.
ગોંડલના શાસ્ત્રી નગરમાં રહેતા ભીખાભાઈ ડોબરીયા પોતાની ઇલેક્ટ્રિક કાર લઈને કારખાને જઈ રહ્યા હતા. વીરપુર ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક હોવાથી તેમણે શોર્ટકટ લીધો હતો. રસ્તામાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી સ્થાનિક યુવાને તેમને આગળ ન જવા ચેતવણી આપી હતી. છતાં તેઓ આગળ વધ્યા અને કાર કોઝવે પરથી ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી. વાયરલ થયેલા વીડિયોમાં તેઓ કારનો કાચ ખોલીને મદદ માંગતા પણ જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ વીરપુર પોલીસ, જેતપુર-ગોંડલ ફાયર ફાઈટર અને રાજકોટ SDRF ની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જિલ્લા SP અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કાર બપોર સુધીમાં મળી ગઈ હતી પરંતુ ચાલકનો પત્તો લાગ્યો ન હતો. આખરે ૨૬ કલાકની ભારે જહેમત બાદ કાર તણાઈ હતી ત્યાંથી આશરે ૩ કિલોમીટર દૂર થોરાળા ડેમમાંથી ભીખાભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. વીરપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ હૃદયદ્રાવક ઘટનાથી મૃતકના પરિવારમાં ભારે કલ્પાંત અને શોક વ્યાપી ગયો છે.


