યાત્રાધામ વીરપુરમાં વરસાદ વચ્ચે નેશનલ હાઇવે પર ખાડામાં ટ્રક ફસાતાં સર્જાયો લાંબો ટ્રાફિકજામ
જેતપુર–રાજકોટ સિક્સ લેનની અધૂરી કામગીરી અને હાઇવે ઓથોરિટીની બેદરકારીથી વાહનચાલકો તથા યાત્રાળુઓ ભારે હાલાકીમાં; તાત્કાલિક સમારકામની માંગ
અગ્ર ગુજરાત, વીરપુર
યાત્રાધામ વીરપુરમાં ગુરૂવાર રાત્રિથી જામેલા વરસાદી માહોલ વચ્ચે જેતપુર–રાજકોટ નેશનલ હાઇવે પર સર્જાયેલા ખાડામાં એક ટ્રક ફસાઈ જતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. હાઇવે પર કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગી જતાં મુસાફરો, દૈનિક વાહનચાલકો અને દર્શનાર્થે આવતા યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વીરપુર નજીક જેતપુર–રાજકોટ સિક્સ લેન માર્ગ બનાવવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન સતત વરસાદના કારણે રોડ પર પડેલા મોટા ખાડામાં એક ટ્રક અચાનક ફસાઈ ગઈ હતી. ટ્રકને બહાર કાઢવાની કામગીરી ચાલુ કરાતાં જ હાઇવેના બંને તરફ વાહનોની ગતિ થંભી ગઈ હતી અને ટ્રાફિક અત્યંત ધીમો પડી ગયો હતો, જેના લીધે હજારો વાહનચાલકો લાંબા સમય સુધી અટવાઈ પડ્યા હતા.
સ્થાનિક લોકો અને વાહનચાલકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાઇવે પર ચાલી રહેલી કામગીરીમાં સુરક્ષા કે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી નથી. ચોમાસાની સિઝન હોવા છતાં અધૂરી કામગીરી અને રોડ પરના ખાડાઓનું સમારકામ ન થતાં હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારી છતી થઈ છે. ખાસ કરીને યાત્રાધામ વીરપુર ખાતે દરરોજ મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને આ તંત્રની નિષ્ક્રિયતાના કારણે મોટી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.


