યાત્રાધામ વિરપુરમાં ‘સ્વ. વેલજીભાઈ સરવૈયા પ્રવેશદ્વાર’નું કાલે ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે ભૂમિપૂજન
દિવંગત નેતાની સ્મૃતિને અમર બનાવવા જેતપુર રોડ પર ભવ્ય ગેટનું નિર્માણ થશે :
અગ્ર ગુજરાત, વિરપુર (જલારામ)
રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર ખાતે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના અગ્રણી અને સૌરાષ્ટ્ર ભાજપના દિવંગત નેતા સ્વ.વેલજીભાઈ સરવૈયાની સ્મૃતિને અમર જાળવી રાખવાના હેતુથી “સ્વ. વેલજીભાઈ સરવૈયા પ્રવેશદ્વાર”નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવેશદ્વારનું ભૂમિપૂજન આવતીકાલે તા.૨૩ને ગુરુવારે સવારે ૯:૩૦ કલાકે જેતપુરના ધારાસભ્ય જયેશરાદડિયાના હસ્તે યોજાશે.
સ્વ.વેલજીભાઈ સરવૈયાની અણધારી વિદાયને સાડા ત્રણ વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં, જેતપુર તાલુકામાં તેમણે કરેલાં લોકસેવાના કાર્યો અને લોકપ્રિયતા આજે પણ અમર છે. તેમની સ્મૃતિ કાયમી રહે તે માટે પરિવાર દ્વારા ‘સ્વ.વેલજીભાઇ સરવૈયા મેમોરીયલ ટ્રસ્ટ’ની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરાયેલા આ પ્રવેશદ્વારનું નિર્માણ જેતપુર રોડ પર તોરણ હોટેલ સામે કરવામાં આવશે.
આ ભૂમિપૂજન પ્રસંગે ધારાસભ્ય જયેશ રાદડિયા ઉપરાંત ગોરધનભાઈ ધામેલીયા, જિલ્લા પંચાયત સદસ્ય દિપકભાઈ ગાજીપરા, તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ કોઠારી, વિરપુર સરપંચ રમેશભાઈ સરવૈયા, તાલુકા ભાજપ પ્રમુખ રસીકભાઈ સખીયા, નરેશભાઈ ડોબરીયા, જનકભાઈ ડોબરીયા, દિનેશભાઇ વઘાસીયા, કોળી સમાજ પ્રમુખ કેશુભાઇ મેર, ગાયત્રી મુક્તિધામ ટ્રસ્ટના અનિલભાઇ વઘાસીયા સહિત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ અને સર્વ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેશે. આ પ્રસંગે વિરપુર તથા આસપાસના વિસ્તારની જાહેર જનતાને બહોળી સંખ્યામાં હાજર રહેવા ‘સ્વ. વેલજીભાઇ સરવૈયા મેમોરીયલ ટ્રસ્ટ’ના પ્રમુખ જગદીશભાઇ સરવૈયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


