પીપાવાવ પોર્ટની કંપનીના કર્મચારીઓનો કોક્રચ જનતા પાર્ટીના પોસ્ટર સાથે વિરોધ
પગાર વધારાની માંગ : ભેરાઇ ચોકડી નજીક બલાડ માતાજીના મંદિરે કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન : કલેકટર કચેરી સુધી રેલી યોજી સૂત્રોચ્ચાર
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટમાં આવેલ ફ્યુચર નામની કોન્ટ્રાક્ટ કંપની સામે કર્મચારીઓનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફ્યુચર કંપનીના આશરે ૧૧૦ જેટલા કર્મચારીઓ પોતાના વેતનમાં વધારો કરવાની માંગ સાથે આખરે આંદોલનના માર્ગે ઉતર્યા છે. મળતી માહિતી મુજબ, આ તમામ કર્મચારીઓ ભેરાઇ ચોકડી નજીક આવેલ બલાડ માતાજીના મંદિર ખાતે એકઠા થઈને આંદોલન ચલાવી રહ્યા છે. કંપની દ્વારા લાંબા સમયથી પગાર વધારાની યોગ્ય માંગ સ્વીકારવામાં ન આવતા આખરે મોટી સંખ્યામાં એકઠા થયેલા કર્મચારી યુવાનો રેલી સ્વરૂપે કલેકટર કચેરી અને મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. યુવાનોએ હાથમાં ‘કોક્રોચ જનતા પાર્ટી’ના પોસ્ટર ધારણ કરી “હમારી માંગે પુરી કરો” સહિતના ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં કર્મચારીઓએ જણાવ્યું છે કે, તેઓ એપીએમ ટર્મિનલ પીપાવાવ પોર્ટ ખાતે આવેલી કોન્ટ્રાક્ટ ફ્યુચર કંપનીમાં છેલ્લા ઘણા વર્ષોથી સંપૂર્ણ મહેનત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. છતાંપણ આજદિન સુધી યોગ્ય વેતન પ્રમાણે પગાર વધારો આપવામાં આવ્યો નથી. હાલના મંદી અને મોંઘવારીના સમયમાં ઘર ખર્ચ, બાળકોના અભ્યાસ, દવાખાના અને વાહન ખર્ચ જેવા દૈનિક ખર્ચાઓને પહોંચી વળવું મુશ્કેલ બન્યું છે. કંપની દ્વારા જે પગાર વધારો અપાયો છે તે ખૂબ જ ઓછો છે. હાલમાં કર્મચારીઓને માત્ર રૂપિયા ૧૩ હજાર થી ૧૫ હજાર જેટલો જ મામૂલી પગાર આપવામાં આવે છે. કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ‘સમાન કામ, સમાન વેતન’ના નિયમ મુજબ યોગ્ય પગાર વધારો કરવાની માંગ કરી છે. આ મામલે જૂની બારપટોળી ગામના સરપંચ દેવાયતભાઇ વાઘે પણ કર્મચારીઓનો પક્ષ લેતા જણાવ્યું હતું કે, આ કંપની દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રાત-દિવસ નોકરી કરતા સ્થાનિક યુવાનોને પૂરતો પગાર વધારો આપવામાં આવતો નથી. સ્થાનિક યુવાનોના હિતમાં કંપની દ્વારા વહેલી તકે યોગ્ય પગાર વધારો કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. આ તકે હરેશભાઈ વાઘ, હિંડોરણા સરપંચ સામતભાઇ પટાટ, ઉટીયા સરપંચ ભાણાભાઇ લાખણોત્રા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.


