બિલીયાળા પાટીયા પાસે પિસ્તોલ સાથે શાપરના શખ્સને SOG એ ઝડપી લીધો
રૂરલ એસઓજીની કાર્યવાહી: રૌફ જમાવવા હથિયાર સાથે ફરતો શખ્સ કાબૂમાં, સપ્લાયર સુધી પહોંચવા તપાસ તેજ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લામાં ગોંડલ નજીક બિલીયાળા ગામના પાટીયા પાસે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને રૂરલ એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી શાપર વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હથિયાર કબ્જે કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર હથિયારો પર કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ અનુલક્ષીને રૂરલ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બિલીયાળા ગામના પાટીયા પાસે, નેશનલ હાઈવેના ઓવરબ્રિજ નીચે એક શખ્સ પિસ્તોલ સાથે ઉભો છે. આ માહિતીના આધારે એસઓજીની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. પોલીસે શંકાસ્પદ વ્યક્તિને કાબૂમાં લઈને પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ વિજય જીતેન્દ્ર બાંભણિયા હોવાનું અને શાપર (વેરાવળ)નો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેની તપાસ દરમિયાન તેના પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી, જેને પોલીસે જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી લુખ્ખાગીરી કરી વિસ્તારમાં રૌફ જમાવવા માટે હથિયાર સાથે ફરતો હતો. હાલ પોલીસ દ્વારા આ પિસ્તોલ તેને કોણે પુરું પાડ્યું અને તેની પાછળ કોઈ મોટા નેટવર્કનો સંબંધ છે કે નહીં તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.


