પ્રહલાદપ્લોટમાં પાનના ગલ્લામાંથી સોના-રોકડ સહિત 7.35 લાખની ચોરી
વેસ્ટ બંગાળનો શખ્સ કળા કરી જતા એ-ડિવિઝન પોલીસમાં નોંધાયો ગુનો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના પ્રહલાદ પ્લોટ મેઇન રોડ પર આવેલી ખોડીયાર ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસની દુકાનમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે. દુકાનના ગલ્લામાં રાખેલા સોના ના દાગીના અને રોકડ મળી કુલ રૂ.7.35 લાખની ચોરી થતાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવ અંગે મળતી માહિતી મુજબ, કુંભારવાડા શેરી નં-14, કેનાલ રોડ વિસ્તારમાં રહેતા અને વેપાર ધંધો કરતા મુસ્તકીમ શબીરહુસેન કાદરી (ઉ.વ.28)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર તા.22/05/2026ના રોજ બપોરના ત્રણેક વાગ્યાથી સાંજના પાંચેક વાગ્યા દરમિયાન પ્રહલાદ પ્લોટ મેઇન રોડ પર આવેલી તેમની ખોડીયાર ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસની દુકાનના ગલ્લામાંથી સોના ના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. ફરિયાદી દ્વારા જણાવ્યા મુજબ, ગલ્લામાં તેમની પત્ની સોફીયાના 21 કેરેટનો એક સોનાનો પાટલો તથા 22 કેરેટની બે સોનાની બંગડીઓ મળી કુલ 108.20 ગ્રામ જેટલું સોનું રાખેલું હતું, જેની કિંમત અંદાજે રૂ.7.20 લાખ થાય છે. ઉપરાંત ગલ્લામાં રાખેલા આશરે રૂ.15 હજાર રોકડ પણ ચોરી થઇ ગયા હતા. આ બનાવમાં સદામઅલી શેખ રહે. રાજકોટ, મૂળ વતન વેસ્ટ બંગાળ સામે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી.વાય. મહંત પો.સબ ઇન્સ્પેક્ટર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


