રાજયમાં ૨૦૦૫ પહેલાના બાકી રહી ગયેલા કર્મચારીઓને OPSનો લાભ આપવા પ્રક્રિયા
પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામક કચેરીએ તમામ વિભાગો પાસેથી કર્મચારીની યાદી મંગાવાઇ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
2005 બાદ નોકરીમાં લાગેલા કર્મચારીઓ માટે NPSલાગુ કરવામાં આવી છે. પરંતુ, ગુજરાતના અલગ અલગ વિભાગોમાં અંદાજિત 60 હજાર કર્મચારીઓ છે કે, જેઓની ભરતી પ્રક્રિયા 2005 પહેલા થઈ હતી પરંતુ, વહીવટી કારણોસર કે કાનૂની વિવાદના કારણે નિમણૂંક 2005 બાદ થઈ હતી. આ તમામ કર્મચારીઓ વર્ષોથી જૂની પેન્શન સ્કીમ(OPS)ની માગ કરી રહ્યા છે. ત્યારે સરકારે આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની તૈયારીઓ શરૂ કરી છે. પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરીએ તમામ વિભાગો પાસેથી નાણા વિભાગના વર્ષ 2024ના ઠરાવ મુજબ જે કર્મચારીઓ OPSમાં જોડાવવા પાત્ર છે તેઓની વિગત મંગાવવામાં આવી છે.
રાજ્ય સરકારના નાણા વિભાગે વર્ષ 2005 બાદ ભરતી થયેલા કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓને જૂની પેન્શન યોજના (OPS)નો લાભ આપવા અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. તે મુજબ, જેમની ભરતી પ્રક્રિયા અથવા જાહેરાત 1 એપ્રિલ, 2005 પહેલાં પૂર્ણ થઈ હતી, પરંતુ વહીવટી અથવા કાનૂની કારણોસર તેમની નિમણૂક બાદમાં થઈ હોય, તેવા કર્મચારીઓને OPSનો લાભ મળી શકશે. તેમાં ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ભરતી થયેલા ઉમેદવારો, કોર્ટ કેસ અથવા વહીવટી વિલંબના કારણે મોડા નિયુક્ત થયેલા કર્મચારીઓ તેમજ ફિક્સ પગાર હેઠળ સેવા આપ્યા બાદ નિયમિત થયેલા કેટલાક કર્મચારીઓનો સમાવેશ થઈ શકે છે. જોકે, 1 એપ્રિલ, 2005 પછી નવી ભરતી પ્રક્રિયા હેઠળ જોડાયેલા કર્મચારીઓને આ લાભ મળશે નહીં. રાજ્ય સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી જૂની પેન્શન યોજનાની માંગ કરી રહેલા અનેક કર્મચારીઓ અને અધિકારીઓને રાહત મળવાની શક્યતા છે.
પત્ર અનુસાર, કેન્દ્ર સરકારના નિયમોને આધારે NPS હેઠળ આવરી લેવાયેલા અને નિર્ધારિત શરતો પૂર્ણ કરતા કર્મચારીઓને OPSનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ માટે તમામ વિભાગોએ સંબંધિત કર્મચારીઓની વિગતો નિર્ધારિત ફોર્મેટમાં એક્સલ શીટમાં તૈયાર કરી મોકલવા સૂચના આપી છે. પેન્શન નિયામક કચેરીએ વિભાગોને કર્મચારીઓના PRAN/PPAN નંબર, GPF ખાતાની વિગતો, નિવૃત્તિની માહિતી તેમજ અન્ય જરૂરી દસ્તાવેજોની ચોકસાઈથી ચકાસણી કરવાની પણ સૂચના આપી છે.
પત્રમાં ખાસ કરીને જણાવ્યું છે કે તમામ માહિતી “અર્જન્ટ” કેટેગરીમાં મોકલવાની રહેશે જેથી પાત્ર કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ સમયસર મળી શકે.રાજ્ય સરકારના આ પગલાને કારણે લાંબા સમયથી OPSની માંગ ઉઠાવતા કર્મચારીઓમાં આશા જાગી છે. હવે વિવિધ વિભાગો દ્વારા માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા તેજ બનશે અને પાત્ર કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો માર્ગ વધુ સ્પષ્ટ બનશે.


