ખાનગી V/S સરકારી : શાળાઓના વેકેશન બાબતે ખેંચતાણ
સરકારી શાળાના સંચાલકો દ્વારા વેકેશન ૧૦ દિવસ લંબાવવાની રજૂઆત કરાયા બાદ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલની સમિતિએ શાળાઓ સમયસર શરૂ કરવા રજૂઆત કરતાં વિવાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
વર્તમાન સમયમાં અસહ્ય ગરમી અને આકરો તાપ પડવાના કારણે શાળાઓનું વેકેશન ૧૦ દિવસ લંબાવવા સરકારી શાળાના સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રી સુધી રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત બાદ આજે શાળાઓ સમયસર શરૂ કરવા માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારમાં રજુઆત કરતાં ખાનગી અને સરકારી શાળા સંચાલક મંડળ વચ્ચે વિવાદ સર્જાય તેવા એંધાણો વર્તાઇ રહ્યાં છે.
ગઇકાલે ગુજરાત રાજય શાળા સંચાલક મંડળની રજુઆત બાદ આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે નવા શૈક્ષણિક વર્ષના આરંભ પહેલા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે રાજ્ય સરકારને અપીલ કરી છે કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી શાળાઓ નિયમિત સમયસર શરૂ કરવામાં આવે અને પ્રત્યક્ષ શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે. મંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણથી અભ્યાસની ગાડી અટકી ન હતી, પરંતુ તે દરમિયાન વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસ પર જે અસર પડી હતી તેની અસર હજુ પણ અનેક સ્તરે જોવા મળી રહી છે.
આ મુદ્દે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, “શાળા માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતી સંસ્થા નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંવાદક્ષમતા, આત્મવિશ્વાસ અને સામાજિક મૂલ્યો વિકસાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. કોરોના દરમિયાન લાંબા સમય સુધી વિદ્યાર્થીઓ વર્ગખંડથી દૂર રહ્યા હોવાથી અભ્યાસ પ્રત્યેની લગાવ અને નિયમિતતામાં ઘટાડો નોંધાયો હતો.” રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અવધેશભાઈ કાનગડે જણાવ્યું હતું કે, “આગામી બોર્ડ પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક અભ્યાસક્રમોને ધ્યાનમાં રાખીએ તો શૈક્ષણિક સત્રનો દરેક દિવસ વિદ્યાર્થીઓ માટે મહત્વનો છે. જો શાળાઓ શરૂ કરવામાં વિલંબ થશે તો અભ્યાસક્રમ પૂર્ણ કરવા સાથે પુનરાવર્તન અને પ્રેક્ટિકલ તાલીમ માટે પૂરતો સમય મળશે નહીં, જેનો સીધો પ્રભાવ વિદ્યાર્થીઓના પરિણામો પર પડશે. કોરોના સમયગાળા દરમિયાન માસ પ્રમોશન અને ઓનલાઈન મૂલ્યાંકનથી પસાર થયેલા અનેક વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ અભ્યાસક્રમોમાં મૂળભૂત વિષયજ્ઞાનના અભાવે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન અને ભાષાકીય વિષયોમાં વિદ્યાર્થીઓને વધારાની મહેનત કરવાની ફરજ પડી રહી છે.”
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના મહામંત્રી ઉર્વિશભાઇ પટેલ અને ભાવેશભાઇ વેકરીયા વધુમાં જણાવે છે કે પ્રત્યક્ષ શિક્ષણ વિદ્યાર્થીઓના માનસિક વિકાસ અને સામાજિક ઘડતર માટે અનિવાર્ય છે. વર્ગખંડનું વાતાવરણ, શિક્ષકો સાથેનો સીધો સંપર્ક અને મિત્રો સાથેનો શૈક્ષણિક સંવાદ વિદ્યાર્થીઓને વધુ સક્રિય અને આત્મવિશ્વાસી બનાવે છે. તેથી શિક્ષણ વ્યવસ્થામાં સમયબદ્ધતા જાળવી સમયસર શાળાઓ શરૂ કરવી આજની આવશ્યકતા છે. આ તમામ મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખી રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ડી.વી.મહેતા, પ્રમુખ અવધેશભાઈ કાનગડ, મહામંત્રી ઉર્વિશભાઇ પટેલ, ભાવેશભાઇ વેકરીયા સહિત મંડળના તમામ હોદ્દેદારો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા અને શિક્ષણમંત્રી રીવાબા જાડેજા તથા શિક્ષણ વિભાગને વિદ્યાર્થીઓના સર્વાંગી હિત માટે સમયસર અને હકારાત્મક નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી છે.


