60થી વધુ ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક કે.સી.બોકાડીયાની નવી ફિલ્મ ‘તીસરી બેગમ’ 22મેના રોજ થશે રિલીઝ
સંબંધો, લગ્ન અને સામાજિક વિચારસરણને નવા અંદાજમાં રજૂ કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનુભવી નિર્માતા-દિગ્દર્શક અને લેખક કે.સી.બોકાડીયા હવે પોતાની નવી ફિલ્મ ‘તીસરી બેગમ’ સાથે ફરી એકવાર દર્શકો સમક્ષ આવી રહ્યા છે. આ ફિલ્મ 22 મેના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પરિવારપ્રધાન અને મનોરંજક ફિલ્મો માટે જાણીતા કે. સી. બોકાડિયા આ વખતે સંબંધો, લગ્ન અને સામાજિક વિચારસરણીને એક નવા અંદાજમાં રજૂ કરી રહ્યા છે.
ફિલ્મ ‘તીસરી બેગમ’માં કાયનાત અરોરા, મુગ્ધા ગોડસે, કેવીન ગાંધી, રચના શ્યામ, સુપ્રિયા કર્ણિક અને રાના જંગ બહાદુર સહિત અનેક કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા ત્રણ લગ્ન અને તેનાથી જોડાયેલી લાગણીઓ, સંબંધો અને પરિસ્થિતિઓ પર આધારિત છે. ફિલ્મમાં મનોરંજન સાથે પરિવાર અને સમાજને સ્પર્શતો સંદેશ પણ જોવા મળશે.
ફિલ્મનું શૂટિંગ લખનઉ અને મુંબઇની સુંદર લોકેશન્સ પર કરવામાં આવ્યું છે. લખનૌની નવાબી સંસ્કૃતિ અને મુંબઈની આધુનિક જીવનશૈલીનો સુંદર સમન્વય ફિલ્મને વિશેષ બનાવે છે. કે.સી.બાકોડીયા ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા ગણતરીના ફિલ્મમેકર્સમાં સામેલ છે જેમણે પાંચ દાયકાથી વધુ સમય સુધી સતત સફળતાપૂર્વક કામ કર્યું છે. તેમણે નિર્માતા, દિગ્દર્શક અને લેખક તરીકે 60થી વધુ ફિલ્મો બનાવી છે. તેમની જાણીતી ફિલ્મોમાં તેરી મહેરબાનિયાં, પ્યાર ઝુકતા નહીં, નસીબ અપના અપના, આઓ પ્યાર કરેં, આજ કા અર્જુન, ફૂલ બને અંગારે, પોલીસ ઔર મુજરિમ, ઇન્સાનિયત કે દેવતા, શક્તિમાન, મુકદમા, લાલ બાદશાહ, ખુદા કસમ, દીવાના મેં દીવાના, ડર્ટી પોલિટિક્સ અને હમ તુમ્હારે હૈં સનમ જેવી અનેક સફળ ફિલ્મોનો સમાવેશ થાય છે. કે. સી. બોકાડિયાનો પહેલો ટીવી સિરિયલ ‘સરદાર’ પણ દર્શકોમાં ખૂબ લોકપ્રિય રહ્યો હતો. મોટા પડદા સાથે નાના પડદા પર પણ તેમણે પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. બોકાડિયાની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે તેમણે દક્ષિણ ભારતના સુપરસ્ટાર Rajinikanth સાથે અનેક યાદગાર ફિલ્મો કરી છે. ઇન્ડસ્ટ્રીમાં તેમને એવા નિર્માતા-દિગ્દર્શક તરીકે ઓળખવામાં આવે છે જેમણે રજનીકાંત સાથે સૌથી વધુ કામ કર્યું છે. ફૂલ બને અંગારે, ત્યાગી, ઇન્સાનિયત કે દેવતા જેવી ફિલ્મોમાં બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે.સી.બોકાડીયાનું નામ એવા ફિલ્મકારોમાં લેવામાં આવે છે જેમણે વ્યાવસાયિક સિનેમાને નવી ઊંચાઈ આપી છે. અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, શત્રુધ્નસિંહા, ગોવિંદા, સલમાન ખાન, શાહરૂખ ખાન, સન્ની દેઓલ અને રજનીકાંત જેવા અનેક મોટા સ્ટાર્સ સાથે તેમણે કામ કર્યું છે. હવે દર્શકોની નજર ‘તીસરી બેગમ’ પર ટકેલી છે, જેના દ્વારા કે.સી.બોકાડીયા ફરી એકવાર પોતાના સિનેમેટિક જાદૂથી મોટા પડદા પર દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે.


