પૂજિત રૂપાણી ટ્રસ્ટના ‘જ્ઞાનપ્રબોધિની’ પ્રોજેક્ટની પ્રવેશ પરીક્ષા ૩ મેના રોજ યોજાશે
વિદ્યાર્થીઓએ રવિવારે સવારે ૭:૩૦ કલાકે એચ.એન. શુક્લા કોલેજ ખાતે કોલ લેટર સાથે હાજર અનુરોધ
મેરીટ મુજબ પસંદ થયેલા વિધાર્થીઓનો ધો.૮ થી ૧૨ સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ ટ્રસ્ટ ભોગવશે
અગ્ર ગુજરાત, રાજકોટ
પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્રારા ભણવામાં તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત ધો.૭માં સરકારી કે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમણે ધો.૭માં પ્રથમ સેમિસ્ટારમાં ૮૫% કે તેથી વધુ માર્કસ મેળવ્યા છે તેવા વિદ્યાર્થીઓની પ્રવેશ પરિક્ષા ૩ મે ૨૦૨૬, રવિવારના રોજ લેવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા માટે જે બાળકોએ ફોર્મ ભરેલ છે તેઓએ એચ.એન.શુક્લા કોલેજ, આમ્રપાલી અંડરબ્રીજ પાસે, વૈશાલીનગર-૩, રૈયા રોડ, રાજકોટ ખાતે સવારે ૭.૩૦ કલાકે કોલ લેટર સાથે ઉપસ્થિત થવાનું રહેશે.
આ પ્રવેશ પરિક્ષામાં ઉતિર્ણ થનાર વિદ્યાર્થીઓને મેરીટ મુજબ પસંદ કરી તેઓને ધો.૮ માં શહેરની શ્રેષ્ઠ શાળાઓમાં એડમીશન અપાવી ધો.૧૨ સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ ટ્રસ્ટ ઉઠાવે છે. જેમાં સ્કૂલ ફી, પુસ્તકો, નોટબુકસ, માર્ગદર્શિકાઓ, પેન્સિલ, રબ્બર, બોલપેન, યુનિફોર્મ તથા સાયકલની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તેમજ લાભાર્થી વિદ્યાર્થીઓ માટે ટ્રસ્ટના બિલ્ડીંગમાં ગ્રુપ ટયુશનની વ્યવસ્થા ઉપરાંત તેમના આરોગ્યની કાળજી પણ ટ્રસ્ટ દ્રારા લેવાય છે. સાથોસાથ ટ્રસ્ટીઓ અને જ્ઞાનપ્રબોધિની કમિટિના વ્યકિતગત માર્ગદર્શન દ્વારા ઉચ્ચ કારકિર્દીના ઘડતર માટે સહાયરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો ફોન નં.(૦૨૮૧) ૨૭૦૪૫૪૫ દ્રારા અથવા ટ્રસ્ટના કાર્યાલય ”કિલ્લોલ”, ૧-મયુરનગર, મહાપાલિકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ-૩૬૦૦૦૩ ખાતે રૂબરૂ સંપર્ક સાધવા જણાવાયું છે.


