રઘુવંશી સમાજનું રાત્રે મહાસંમેલન, ટિકિટના કાવાદાવાને સાંખી નહી લેવાનું એલાન
જયાં સમાજના ઉમેદવાર છે ત્યાં મતદાન અને અન્યાય થયો છે તે સહિતની સીટમાં નોટો દબાવવાની ચેતવણી : ટૂંક સમયમાં ૫૦,૦૦૦ લોકોનું સંમેલન બોલાવવા તૈયારી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં થયેલા ટિકિટના અન્યાય બાબતે રઘુવંશી અગ્રણીએ જણાવ્યું હતું કે જે નેતાઓએ ખેલ કર્યા છે તેને બતાવી દેવામાં આવશે. ભાજપ સાથે કોઇ વાંધો નથી. અમારા જયાં ઉમેદવાર ઉભા છે ત્યાં વોટ કરીશું અને જયાં ટિકિટ કપાઇ છે ત્યાં નોટો દબાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
રાજકોટ મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની યાદી સામે આવતા જ શહેર ભાજપમાં નારાજગીના સુર જોવા મળ્યા હતા. વોર્ડમાં આગેવાનોની નારાજગી બાદ હવે શહેરમાં કેટલાક જ્ઞાતિ સમીકરણો આધારે સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. આ વર્ષે ભાજપ દ્વારા એક પણ લોહાણા સમાજના પુરુષ આગેવાનને ટિકિટ આપવામાં ન આવતા લોહાણા સમાજમાં નારાજગી જોવા મળી રહી છે.
આજે રાત્રે ૮:3૦ વાગ્યે રઘુવંશી સ્વાભિમાન સંમેલન અંગે બેઠક બોલાવવામાં આવી છે. જેમાં આગામી સમયમાં મહાસંમેલન અંગે ચર્ચા વિચારણા અને કાર્યક્ર્મ નક્કી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 1,2,3 અને 14માં લોહાણા સમાજની વસ્તી હોવા છતાં ટિકિટ ફાળવણી ન કરી સમાજની અવગણના કરવામાં આવી હોવાનો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
રઘુવંશી યુવા શક્તિ સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખ કે.ડી રઘુવંશીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર છે. આ ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં લોહાણા સમાજની બાદબાકી કરી અવગણના કરવામાં આવી છે. માત્ર 3 મહિલા ઉમેદવારને ટિકિટ ફાળવી એક પણ પુરુષ ઉમેદવારને ટિકિટની ફાળવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી નથી.
કે.ડી રઘુવંશીએ વધુમાં જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 1, 2, 3, અને 14માં લોહાણા સમાજના મતદારો વસવાટ કરી રહ્યા છે. વિધાનસભા પશ્ચિમ વિસ્તારમાં 70,000થી વધુ મતદારો રહે છે. આમ છતાં આ વિસ્તારમાં એક પણ લોહાણા સમાજના પુરુષ આગેવાનને ટિકિટ આપવામાં આવી નથી. ભાજપના આ નિર્ણયથી સમાજમાં નારાજગી છે માટે આવતીકાલે ખાસ રઘુવંશી સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રઘુવંશી સ્વાભિમાન મહા સંમેલન બોલાવવામાં આવશે. આ માટે ચર્ચા વિચારણા આજની બેઠકમાં કરવામાં આવશે.


