રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે માથામાં હથોડીના ઘા ઝીંકી પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું
ઘરકંકાસ, અનૈતિક સંબંધોની ચર્ચા અને સવારના ઝગડાએ લીધો રક્તરંજિત વળાંક : યુનિવર્સિટી પોલીસની તપાસ શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં વધુ એક ચકચારભરી હત્યાની ઘટના સામે આવતા શહેરમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીકના શિવાલી એપાર્ટમેન્ટમાં 40 વર્ષીય મહિલાની નિર્દયી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે. મૃતક મહિલાની ઓળખ શિલ્પાબેન અલ્તાફભાઈ લાલાણી તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ મહિલાના પતિ અલ્તાફ લાલાણી દ્વારા હથોડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શિવાલી એપાર્ટમેન્ટ ખાતે રહેતા દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પારિવારિક મતભેદો ચાલી રહ્યા હતા. ઘટનાના દિવસે સવારે પણ પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝગડો થયો હોવાનું સામે આવી રહ્યું છે. ઝગડો એટલો ઉગ્ર બન્યો કે બાદમાં અલ્તાફ લાલાણીએ ગુસ્સાના ભરાવમાં આવી પત્ની શિલ્પાબેન પર હથોડી વડે હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હુમલા દરમિયાન મહિલાના માથાના ભાગે ગંભીર અને જીવલેણ ઘા ઝીંકાતા તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. હુમલો એટલો ભયાનક હતો કે મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના રહિશોમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ હતી. લોકોના ટોળા સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા.
ઘટનાની માહિતી મળતા જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કરી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી. ફોરેન્સિક ટીમ દ્વારા પણ સ્થળ પરથી જરૂરી સેમ્પલ અને પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો અને સગાસંબંધીઓના આક્રંદથી કરુણ માહોલ સર્જાયો હતો. પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદનો નોંધવાની તેમજ ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં ઘરકંકાસ અને પારિવારિક વિવાદ હત્યાનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, તપાસ દરમિયાન અનૈતિક સંબંધોનો મુદ્દો પણ સામે આવી રહ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. પત્નીના આડા સંબંધોને લઈને દંપતી વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલતો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ મામલે પણ પોલીસ અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે સવારે પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું પાડોશીઓએ પોલીસ સમક્ષ જણાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, હત્યાનું ચોક્કસ કારણ શું હતું અને આખી ઘટનાક્રમ કેવી રીતે બન્યો તે અંગે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી.
હાલ ઇન્ચાર્જ એસીપી બારિયાના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપી પતિની પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ આસપાસના સીસીટીવી ફૂટેજ, મોબાઈલ કોલ ડિટેઈલ્સ તેમજ અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
રાજકોટ શહેરમાં સતત વધી રહેલી ઘરેલુ વિવાદ અને હત્યાની ઘટનાઓએ લોકોમાં ચિંતા ઉભી કરી છે. ખાસ કરીને પરિવારની અંદરના વિવાદો હવે હિંસક સ્વરૂપ ધારણ કરતા હોય તેવી ઘટનાઓ સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસની તપાસ બાદ જ હત્યાનું સાચું કારણ બહાર આવશે.


