રાજકોટ એસ.ટી બસપોર્ટ પર ફરિયાદ બુક ન અપાતા છેક મુખ્યમંત્રી સુધી ફરિયાદ
વિભાગીય નિયામક સમક્ષ કરેલી તા.24/3 ની ફરિયાદ તુમારશાહીનો ભોગ બની હોવાના આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના અમરેલીના પ્રતિનિધિ પ્રતાપભાઈ વાળા તારીખ – 21/03/2026 ના બપોરના 12:30 થી 1:00 ના સમયગાળા દરમિયાન રાજકોટ એસ.ટી બસપોર્ટ ઢેબર રોડ પર હોય ત્યારે પ્લેટફોર્મ નંબર 3 ઉપર વેરાવળ ડેપો ની સોમનાથ થી ગાંધીનગર રૂટ ની બસમાં (બસ નંબર GJ-18-Z 8601) ફ્રન્ટલ સ્ક્રીન નો ગ્લાસમાં (ડ્રાઇવરની આગળનો મુખ્ય કાચ) ગણી ન શકાય તેટલી તિરાડો હોય કાચ અત્યંત જર્જરિત અને તૂટી ગયેલો હોય લોંગ રૂટમાં ચાલતી આ ગાડી રાત્રે પણ નેશનલ હાઈવે પર ચાલતી હોય ત્યારે તિરાડો સાથેના કાચને પગલે અકસ્માતની સંભાવના હોય અને મુસાફરો અને ડ્રાઇવર પર મોતની લટકતી તલવાર સમાન ગણાય.
તત્કાલીન સમયે અમરેલીના પ્રતિનિધિએ જુનાગઢ વિભાગીય નિયામક અને વેરાવળ ના ડેપો મેનેજરને કાચને તાત્કાલિક બદલી નાખવા અંગે જાણ કરેલ હતી. તૂટેલા કાચના પગલે જ્યારે રાજકોટના એસ.ટી બસપોર્ટ પર ફરિયાદ બુક જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદ પરથી (પરિશિષ્ટ અ) મુજબ જ્યારે ફરિયાદ કરવાની હોય ફરિયાદ બુક માંગતા ફરજ પરના ટ્રાફિક કંટ્રોલરે ફરિયાદ બુક આપવાની ના પાડી દીધી હતી. અને કહ્યું કે ડેપો મેનેજરે ફરિયાદ બુક આપવાની ના પાડી છે.
જે પગલે રાજકોટના વિભાગીય નિયામક એમ.પી. રાજને તારીખ 24/03/2026 ફરિયાદ બુક ન આપનાર ફરજ પરના ટ્રાફિક કંટ્રોલર અને ડેપો મેનેજર પર પગલાં ભરવા અંગે લેખિત ફરિયાદ કરવામાં આવી પરંતુ આ ફરિયાદ તુમારશાહીનો ભોગ બનતા ફરિયાદી પ્રતાપભાઈ વાળા એ તત્કાલીન સમયના ડેપો મેનેજર અને ટ્રાફિક કંટ્રોલર પર ફરિયાદ બુક ના આપવા નિયમાનુસાર પગલા ભરવા જિલ્લા કલેક્ટર કચેરી રાજકોટ ખાતે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ જૂન 2026 માં પ્રશ્ન રજૂ કરી સાથે કરેલ લેખિત ફરિયાદની નકલ બીડાણમાં રાખી કડક પગલાં ભરવા અપીલ કરી છે.


