રાજુલામાં પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ કરી જતા વચ્ચે પડેલી માતાની હત્યા
કાર ચડાવી હત્યા નિપજાવતા ચકચાર : નવ સામે ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલીના રાજુલામાં પ્રેમ પ્રકરણમાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધનો ખાર રાખીને યુવતીના પરિવારજનોએ યુવકનું અપહરણ કર્યું હતું. અને આ દરમિયાન વચ્ચે પડેલા યુવકની નિર્દોષ માતા પર કાર ચડાવી દઈ તેમની ક્રૂર હત્યા કરી નાખી છે. મળતી માહિતી મુજબ રાજુલાના નિંગાળા ગામના ભાવેશ ભગવાનભાઇ ભીલને પોતાની પત્નીની માસીની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. જે વાતનું યુવતીના પરિવારજનો મનમાં લાગી આવ્યું હતું. અને યુવતી તેના ઘરે મહુવાથી રાજુલા આવવાં નિકળેલ. જ્યારે ભાવેશ અને તેની માતા જીતુબેન ભીલ રાજુલા તરફ જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે પર પીપાવાવ પોર્ટ ચોકડી પાસે બાલક્રિષ્ના પેટ્રોલ પંપ પાસે આરોપીઓએ ફોર વ્હીલર કારમાં આવી ભાવેશનું અપહરણ કર્યું હતું. પુત્રને બચાવવા વચ્ચે પડેલા ૫૦ વર્ષીય માતા જીતુબેન ભીલ પર આરોપીઓએ નિર્દયતાથી કાર ચડાવી દીધી હતી. ગંભીર ઈજાઓ થવાના કારણે જીતુબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આરોપીઓએ ભાવેશનું અપહરણ કરી તેને માર માર્યો હોવાની વિગતો પણ સામે આવી છે. આ ઘટનાની જાણ થતા જ મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.કે.રાઠોડ અને પીએસઆઈ કે.ડી. હડિયા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હાલમાં ૯ આરોપીઓ વિરુદ્ધ હત્યા અને હથિયાર બંધી જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજુલા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.


