રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી
ગુરૂપૂજન, ધ્વજારોહણ સહિત કાર્યક્રમો યોજાયા, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા-૨ ગામે આવેલ સુપ્રસિદ્ધ વૃંદાવન બાગ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક ઉત્સવમાં ગુરુ વંદના કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ગુરુપૂર્ણિમા મહોત્સવના ભાગરૂપે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુંદરકાંડના પાઠ, ભવ્ય શોભાયાત્રા, ભાવપૂર્ણ ગુરૂપૂજન તેમજ ધ્વજારોહણ અને મહાપ્રસાદ જેવા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પાવન અવસરે વૃંદાવન બાગના મહંત અને અખીલ ભારતીય પંચ નિર્મોહી અખાડાના અધ્યક્ષ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુના સૌ ભક્તોએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતાં. આ તકે ભાગવતાચાર્ય મનસુખ દાદા (રાભડા વાળા), લાલાભાઇ વાઘ(ગોલ્ડન કિંગ), અરજણભાઈ વાઘ, સનાભાઇ વાઘ, દુલાભાઇ તેમજ લોક સાહિત્યકાર નાજાભાઈ આહીર સહિત આજુબાજુના વિસ્તારના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.


